- નકલી પોલીસ બની લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ
- પોરબંદર નેત્રમ પ્રોજેકટના સી.સી.ટી.વી. ફુટેજ મેળવી તથા ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી સઘન તપાસ કરાઈ
- ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસના અધિકારી હોવાનું જણાવી લોકોના દાગીના લૂંટી લેતા હતા
પોરબંદરઃ ગુજરાત રાજયના અલગ અલગ જિલ્લાઓમાં તથા અન્ય રાજયોમાં નકલી પોલીસ બની લોકો સાથે છેતરપિંડી કરી પૈસા તથા દાગીના પડાવી લઇ તરખાટ મચાવનારી ઇરાની ગેંગના ચાર આરોપીઓને પોરબંદર એલ.સી.બી.એ કુલ રુપિયા 5,29,755 ના મુદામાલ સાથે પકડી પાડ્યા છે.
એલ.સી.બી. સ્ટાફની બે અલગ અલગ ટીમો બનાવી
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. રવિ મોહન સૈનીએ પોરબંદર જિલ્લામાં બનેલી મિલકત સબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એમ.એન.દવેને સુચના કરી હતી, જે અનુસંધાને પોરબંદર શહેર નાયબ પોલીસ અધિક્ષક જે.સી.કોઠીયા સાહેબ તથા પો.ઇન્સ.એલ.સી.બી. નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ કમલાબાગ પો.સ્ટે. તેમજ અન્ય ગુનાની તપાસ કરતા હતા. તે દરમિયાન જાણવા મળ્યું કે, કમલાબગ પો.સ્ટે.માં જે ગુનો બનેલો છે. તે પ્રકારની એમ.ઓ.ના ગુના તે જ દિવસે ડભોઇ, રાજકોટ સીટી, ગોંડલ સીટીમાં પણ બનાવ બન્યો હતો. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
પોરબંદર નેત્રમ પ્રોજેકટના સી.સી.ટી.વી. ફુટેજ મેળવી તથા ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી સઘન તપાસ કરાઈ
દરેક બનાવના સી.સી.ટી.વી. ફુટેજ મેળવી તેમજ પોરબંદર નેત્રમ પ્રોજેકટના સી.સી.ટી.વી. ફુટેજ મેળવી તથા ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી સઘન અને જીણવટભરી રીતે તપાસ કરતા આ પ્રકારની ઇરાની ગેંગની હોવાનું માલુમ પડતા તે દિશામાં તપાસ કરવામાં આવી હતી. વધુમાં માહિતી મળતા જે ગેંગ અગાઉ પોરબંદર વિસ્તારમાં આવેલી હતી અને ગુનાને અંજામ આપ્યો હતો તે જ ગેંગ ફરી પાછા જામનગર થી પોરબંદર તરફ આવી રહી છે. તેવી સચોટ હકિકત મળતાં ઉપરોકત સ્ટાફ સાથે રાણાવાવથી આગળ બિલેશ્વર ટેલીફોન એક્ષેચેન્જ પાસે વોચમાં હતાં તે દરમિયાન જામનગર તરફથી એક MH પાસીંગની કાર આવતાં તે કારને રોકાવાની કોશિશ કરતાં કારમાંથી ચાર શંકાસ્પદ ઇસમો તથા મુદ્દામાલ મળી આવતા તમામને એલ.સી.બી. ઓફીસે લાવી સઘન પૂછપરછ કરવામાં આવી હતી. આરોપીઓએ કમલાબાગ પો.સ્ટે. ખાતે બનેલા ગુનાની કબુલાત આપી અને આ સિવાય પણ રાજયમાં અનેક જગ્યાએ આવા પ્રકારના ગુના કર્યાની કબુલાત આપી છે, તેમજ અન્ય રાજયમાં પણ આવા પ્રકારના ગુના કર્યા હોવાનું જાણવા મળ્યું છે.