સમગ્ર મામલે NSUI મોટું કૌભાંડ થયું હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યું છે પોરબંદરઃ સરકારી યોજનાઓના નામે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ કૌભાંડ કરતી હોય તેવા સમાચારો છાશવારે પ્રગટ થતા હોય છે. આ શ્રેણીમાં પોરબંદરની એક ખાનગી શૈક્ષણિક સંસ્થાનું નામ સામે આવ્યું છે. આ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓની ઓરિજિનલ માર્કશીટ લઈ લેવામાં આવી છે અને જો આ માર્કશીટ પરત લેવી હોય તો 5000 રુપિયા પેનલ્ટી લાગશે તેવું કહેવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે NSUI મોટું કૌભાંડ થયું હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યું છે.
સમગ્ર ઘટનાક્રમઃ પોરબંદરમાં જૂની કોર્ટ પાછળ રામબા શાળામાં ચાલતી ખાનગી શૈક્ષણિક સંસ્થા દ્વારા મુખ્યમંત્રી ભવિષ્ય લક્ષી કૌશલ વિકાસ યોજના અંતર્ગત ફ્રી કોર્ષની જાહેરાત કરવામાં આવી હતી. આ ખાનગી સંસ્થા TBL એજ્યુકેશન પ્રા. લિ. દ્વારા આ જાહેરાતો કરવામાં આવી હતી. આ જાહેરાતોથી આકર્ષાઈને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓ પાસેથી આધારકાર્ડ, બેન્ક ડીટેલ્સ પણ સંસ્થા દ્વારા લેવામાં આવી હતી. શીષ્યવૃત્તિના નામે બેન્ક ડીટેલ્સ મેળવી અને ત્યારબાદ ધોરણ 10ની ઓરિજનલ માર્કશીટ પણ સંસ્થાએ લઈ લીધી હતી. હવે આ માર્કશીટ વિદ્યાર્થીઓ પરત માંગે તો 3 મહિના પછી મળશે, જો તે પહેલા જોઈતી હોય તો 5000 રુપિયા પેનલ્ટી ભરવી પડશે તેવા જવાબો મળે છે. આ ઘટનાની જાણ થતાં NSUI દ્વારા સંસ્થા પર હલ્લાબોલ કરવામાં આવ્યું હતું. જો કે રુબરુ તપાસ કરતા સંસ્થા દ્વારા કરવામાં આવતી અનેક ગેરરીતી સામે આવી હતી.
અનેક ગેરરીતીઃ NSUI દ્વારા માર્કશીટ વિશે પુછતા સંસ્થામાં હાજર વિજય કેશવાલાએ હુ પગારદાર છું, માલીકો સાથે વાત કરો તેવા જવાબો આપ્યા હતા. સંસ્થાના માલીક માંગરોળમાં રહેતા હોવાથી તેમની સાથે ટેલીફોનિક વાતચીત કરતા બધી ઓરિજિનલ માર્કશીટ માંગરોળમાં હોવાનું જાણવા મળ્યું. NSUI દ્વારા આવતીકાલે માલીકને સંસ્થા પર હાજર રહી યોગ્ય જવાબો આપવા કહેવામાં આવ્યું છે. જો આમ નહિ કરવામાં આવે તો NSUI દ્વારા સંસ્થાને તાળાબંધી પણ કરવામાં આવશે. માર્કશીટ સિવાય આ સંસ્થા દ્વારા ક્લાસીસ ચલાવવાના દરેક નિયમોને નેવે મુકવામાં આવ્યા હોય તેવું સામે આવ્યું હતું. ફાયર સેફ્ટી, સીસીટીવી કેમેરા વગેરે વ્યવસ્થાનો અભાવ હતો. NSUI તરફથી કરવામાં આવેલ હલ્લાબોલમાં ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી કિશન રાઠોડ,જયદિપ સોલંકી, ઉમેશરાજ બારૈયા, રાજ પોપટ, પાર્થ ઉનડકટ, નીખીલ દવે, દિવ્યેશ સોલંકી, યશ ઓઝા, પુનિત વારા, આકાશ કારિયા, દિવ્યેશ કોટેચા વગેરે હાજર રહ્યા હતા.
આવી કોઈ પણ લોભામણી લાલચમાં આવી જઈને તમારી ઓરિજનલ માર્કશીટ આપશો નહીં. તમે જેમાં અભ્યાસ કરવા જવાના હોવ તે સંસ્થા વિશે પૂરતી વિગતો મેળવી લો. પૂરી ખાત્રી કર્યા બાદ જ સંસ્થામાં પ્રવેશ મેળવો...કિશન રાઠોડ(મહામંત્રી, NSUI, ગુજરાત)
- Amit Chavda: ઈન્ટરનેશનલ સ્પોર્ટસ કોમ્પલેક્ષના નામે કરોડોનું જમીન કૌભાંડઃ અમિત ચાવડા
- Rajkot Crime : રાજકોટમાંથી બોગસ એલસી આપવાનું કૌભાંડ ઝડપાયું