પોરબંદર: ખાણ ખનીજ વિભાગ દ્વારા જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં કરાયેલા સર્વે અંતર્ગત બળેજ અને ધ્રુવાળા ગામે છ લોકોને નોટિસ ફટકારી રૂપિયા ત્રણ કરોડથી વધુ રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત રૂપિયા 1 કરોડ 42 લાખના વાહનો અને મશીનરી પણ જપ્ત કરવામાં આવ્યા છે.
પોરબંદર: ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે ખનન કરનારાઓને 3 કરોડનો દંડ ફટકાર્યો - ઈટીવી ભારત ગુજરાત
પોરબંદરમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદે ખનન કરનારાઓને રૂપિયા 3 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત બળેજ અને ધ્રુવાળા ગામે ખાણમાંથી 1.42 કરોડની મશીનરી અને વાહનો પણ કબજે કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ પોરબંદર વહીવટી તંત્ર દ્વારા ગત 15 જાન્યુઆરી 2020ના રોજ પોરબંદરના બળેજ ગામે ત્રણ ખાણોમાં તપાસ કરવામાં આવી હતી. તે સમયે ખાણની લીઝ ધરાવતા ભરતભાઈ અરજણભાઇ ડાંગરને 5 લાખ 29 હજારનો દંડ તથા રામભાઈ ઉલવાને રૂપિયા 2 કરોડ 46 લાખનો દંડ અને દેવરાજ કાનાભાઈ ગોસીયાને રૂપિયા 75 લાખ 54 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સાથે જ તેમના લીઝ વર્ચ્યુઅલ એકાઉન્ટ લોક કરવામાં આવ્યા હતા.
તેમ છતાં ગત 24 મેના રોજ કરવામાં આવેલા સર્વેમાં ત્રણેય લીઝમાં વર્ચ્યુઅલ એકાઉન્ટ લોક હોવા છતાં ખાણમાં ખનન કામ ચાલુ હોવાથી તે કામમાં ઉપયોગમાં લેવાયેલા વાહન તથા મશીન મળીને કુલ 47 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે બળેજ ગામની અન્ય ત્રણ લીઝમાં ગત 28 મેના રોજ સર્વે કરવામાં આવતા ચનાભાઈ લીલાભાઈ કારાવદરા, રાજાભાઈ દેવાભાઈ કડછા અને મનોજભાઈ સિદીભાઈ કુવાડીયાની લીઝને સિઝ કરવામાં આવી હતી અને ત્યાંથી વાહન અને મશીન મળીને કુલ 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ઉપરાંત કુતિયાણાના ધ્રુવાળા ગામે સરકારી ગોચરની જમીનમાં બિનઅધિકૃત ખોદકામ બાબતે તપાસ હાથ ધરતાં ખોદકામ કરવાના વાહનો મળી રુપિયા 25 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.