- પોરબંદરમાં દિવ્યાંગ બાળકોએ બનાવ્યા દીવડા
- બાળકોએ 2,850 દીવડા બનાવ્યા
- તાલીમ કેન્દ્રમાં બાળકોને રાખડી, દીવડા, કવર તેમજ કાપડના પાઉચ બનાવવાની આપવામાં આવે છે તાલીમ
પોરબંદરઃ દિવાળી એટલે રોશનીનું પર્વ, દિવાળીના દિવસે લોકો પોતાના ઘરોમાં દીવડા પ્રગટાવતા હોય છે. ત્યારે પોરબંદરમાં આવેલા દિવ્યાંગ બાળકોના તાલીમ કેન્દ્રમાં દિવ્યાંગ બાળકોએ દીવડા બનાવ્યા છે. આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલાના ડાયરેક્ટર આર. એસ. જાદવના માર્ગદર્શન હેઠળ પોરબંદરમાં રાવલીયા પ્લોટ ખાતે દિવ્યાંગ બાળકોનું તાલીમ કેન્દ્ર ચાલી રહ્યું છે, જેમાં 30 દિવ્યાંગ બાળકો તાલીમ લઇ રહ્યા છે. જે બાળકોએ બનાવેલા દીવડા અનેક ઘરોમાં પ્રજ્વલિત થઇ અજવાળા કરશે.
દિવ્યાંગ બાળકોએ દિવાળીના તહેવારને લઈ દીવડા બનાવ્યા દિવાળીના તહેવાર નિમિત્તે તાલીમ કેન્દ્રના બાળકોએ આકર્ષક દીવડા બનાવ્યા
આ તાલીમ કેન્દ્રમાં વ્યવસાયલક્ષી તાલિમ પણ આપવામાં આવે છે. જેમાં 12 વિદ્યાર્થીઓ દ્વારા રાખડી, દીવડા, કવર તેમજ કાપડના પાઉચ બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. દિવાળીના તહેવાર નિમિત્તે તાલીમ કેન્દ્રના બાળકોએ આકર્ષક દીવડા બનાવ્યા છે. દિવ્યાંગ તાલીમ કેન્દ્રના સંચાલક પુનમબેન જુંગી, પ્રવીણ ડાભી અને ધર્મિષ્ઠાબેન ખુદાઈ દ્વારા બાળકોને બે મહિનાથી દીવડા બનાવવાની તાલીમ આપવામાં આવી રહી હતી. જેમાં અત્યાર સુધીમાં 2850 દીવડા બાળકોએ બનાવ્યા છે. દિવ્યાંગ બાળકોના વાલીઓએ પણ જણાવ્યું હતું કે, વ્યવસાયલક્ષી તાલીમ દ્વારા બાળકોમાં માનસિક વિકાસ થયો છે. તેમજ તેમણે લોકો આ દીવડા વધુમાં વધુ ખરીદી કરી બાળકોને પ્રોત્સાહિત કરે તેવી વિનંતી કરી હતી.