ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર જિલ્લા કલેક્ટરે પરવાનાવાળા હથિયાર જમા કરાવવા અંગે જાહેરનામું બહાર પાડ્યું - પોરબંદર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી

પોરબંદર જિલ્લામાં જિલ્લા પંચાયત, પોરબંદર, રાણાવાવ, કુતિયાણા તાલુકા પંચાયત તથા પોરબંદર-છાંયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીએ અને મતગણતરી 2 માર્ચે યોજાશે. આથી જિલ્લા મેજિસ્ટ્રેટએ ચૂંટણી પ્રક્રિયા અને મત ગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય ત્યાં સુધી પરવાનાવાળા હથિયારો સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા માટે જાહેરનામું બહાર પાડ્યુ છે.

પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટએ ચુંટણી સંબંધિત જાહેરનામું બહાર પાડ્યુ
પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટએ ચુંટણી સંબંધિત જાહેરનામું બહાર પાડ્યુ

By

Published : Jan 31, 2021, 9:30 AM IST

Updated : Jan 31, 2021, 9:53 AM IST

  • પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટએ બહાર પાડ્યું જાહેરનામું
  • ચૂંટણી અને મત ગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે અંગે જાહેરનામું
  • ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી પરવાનાવાળા હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા

પોરબંદરઃગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાઓ સામાન્ય ચૂંટણી તથા પ્રસંગોપાત પડેલી બેઠકોની પેટા ચૂંટણી ફેબ્રુઆરી-2021 કાર્યક્રમ 23 જાન્યુઆરીથી શરુ થયો છે. તે મુજબ પોરબંદર જિલ્લામાં જિલ્લા પંચાયત, પોરબંદર, રાણાવાવ, કુતિયાણા તાલુકા પંચાયત તથા પોરબંદર-છાંયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીએ અને મતગણતરી 2 માર્ચે યોજાશે.

જિલ્લા મેજિસ્ટ્રેટએ બહાર પાડ્યુ જાહેરનામું

આ તારીખથી સમગ્ર રાજ્યમાં આદર્શ આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે. આ ચૂંટણીના અનુસંધાને ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઇપણ રાજકીય પક્ષ કે કોઇપણ વ્યક્તિ/સંસ્થા દ્વારા ચૂંટણી સબંધી સભા, સરઘસ/રેલી કે તેવો કોઇપણ કાર્યક્રમ યોજવામાં આવશે નહીં. આ ચૂંટણીનું મતદાન મૂક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણી પંચનો અભિગમ રહેલો છે. આથી સમગ્ર જિલ્લામાં જાહેર સુલેહશાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે પગલા લેવાનું ઉચિત જણાયેલ છે. ચૂંટણી સબંધી કાર્યક્રમોમાં અને જાહેર સ્થળોએ લોકો તેમના પરવાનાવાળા હથિયાર સાથે રાખીને એકઠા થાય કે પસાર થાય તો લોકોમાં ભયમૂક્ત વાતાવરણ ઉભુ કરવાનો હેતુ જળવાઇ નહી, જિલ્લા મેજિસ્ટ્રેટ ડી.એન.મોદી દ્વારા મતદાનની પ્રક્રિયા તેમજ મત ગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં પુરી કરી શકાય તે માટે પરવાનાવાળા હથિયારો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સબંધિત પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.

મેજિસ્ટ્રેટએ ખાસ પરવાનગી આપી હોય તેઓને લાગુ પડશે નહી

જિલ્લાના આત્મરક્ષણ તથા પાકરક્ષણના તમામ પરવાનેદારો (અપવાદ સિવાયના)એ તેમના હથિયાર પરવાનાઓ 5 દિવસમાં સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી તે અંગેની પહોંચ મેળવી લેવી. (પોલીસ સ્ટેશન તરફથી સુચના મળવાની રાહ જોયા વિના આ હુકમને સુચના ગણી હથિયારો જમા કરાવી દેવાના રહેશે.)

1. પોરબંદર જિલ્લામાં ફરજ બજાવતા તમામ મેજિસ્ટ્રેટ, કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારના તમામ અધિકારીઓ/કર્મચારીઓ, કે જેઓને કાયદા મુજબ હથિયાર(સરકારી કે અંગત) ધારણ કરવાની મંજૂરી આપેલી છે અથવા પરવાનો ધરાવે છે તેમને ચૂંટણીની ફરજ ઉપર હોય તેમને લાગુ પડશે નહી.

2. બેંકના રક્ષણ માટે બેંકના મેનેજરના હોદ્દાની રૂએ પરવાનો મંજૂર કરાયેલો હોવાથી તે પરવાના અન્વયેના હથિયારોને લાગુ પડશે નહી.

3. માન્યતા ધરાવતી સીક્યુરીટી એજન્સીઓના ગનમેન, કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોમર્શીયલ બેંકો, એ.ટી.એમ. તથા કરન્સી ચેસ્ટ લેવડ-દેવડ કરતા હોય તેવા હથિયારધારી ગાર્ડને તેમના હથિયાર જમા કરાવવામાં મૂક્તિ આપવામાં આવે છે. આવા સીક્યુરીટી ગાર્ડએ તેઓ બેંકમાં ફરજ બજાવવા હોવાનું સબંધિત બેંક મેનેજરનું પ્રમાણપત્ર તેઓના ફોટોગ્રાફ સાથેનુ પોતાની પાસે રાખવાનું રહેશે.

4.મોટા ઔદ્યોગિક એકમો, જાહેર સાહસો, બોર્ડ/નિગમની સલામતી માટે જે તે એકમના સંચાલક/જવાબદાર અધિકારીના નામે મંજૂર કરાયેલા પરવાના અન્વયેના હથિયારો

5. જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ ખાસ પરવાનગી આપેલી હોય તેઓને લાગુ પડશે નહી.

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયાના 7 દિવસ બાદ હથિયારો પરત કરાશે

જાહેર નામાંમાં જણાવ્યા અનુસાર તમામ હથિયારો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ પછી દિવસ-7માં સંબધિત તમામ પરવાનેદારોને પરત સોંપી આપવા અંગેની કાર્યવાહી સબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીએ પૂર્ણ કરી લેવાની રહેશે. આવા હથિયારો સમયસર પરત મેળવી લેવાની જવાબદારી સબંધિત પરવાનેદારની રહેશે.

Last Updated : Jan 31, 2021, 9:53 AM IST

ABOUT THE AUTHOR

...view details