પોરબંદર: જિલ્લા કલેક્ટર ડી.એન મોદીએ અનુરોધ કર્યો હતો કે, કોરોના વાઇરસથી ડરવાની જરૂર નથી, સાવધાની રાખવાની જરૂર છે. સરકારની સૂચનાનું લોકોએ પાલન કરવાનું છે. કોરોના વાઇરસના ચેપથી બચવા શું કરવું અને શું ન કરવું તે અંગે જાગૃતતા આવે તો કોરોના વાઇરસ હારશે. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર એ.જી રાઠોડના સંકલનમાં જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા પોરબંદરના તમામ એન્ટ્રી પોઇન્ટ જેમ કે, હનુમાનગઢ ચેકપોસ્ટ ગોસા ચેકપોસ્ટ ખાતેથી પસાર થયેલા મુસાફરોના સ્ક્રિનીંગ કરવામાં આવ્યું છે. એરપોર્ટને સીકોડ ખાતે 714 લોકોનું સ્ક્રિનીંગ કરાવ્યું હતું. કુલ 11 પેસેન્જરને ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને રવિવારે જનતા કરફ્યૂનું સૂચન કર્યું હતું. જેને આજે સમર્થન મળી રહ્યું છે. પોરબંદર જિલ્લા કલેકટર મોદીએ પણ જિલ્લાવાસીઓને જનતા કરફ્યૂનું પાલન કરવા અનુરોધ કર્યો છે. જિલ્લામાં જુદી જુદી ટીમો દ્વારા કોરોનાની સમજણ આપવાની સાથે સાથે ગભરાયા વગર સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. જાહેરમાં ગંદકી કરનાર અને થૂંકનારને દંડ ફટકારવામાં આવશે.
જનતા કરફ્યૂ: પોરબંદર જિલ્લા કલેક્ટરે લોકોની કરી અપીલ નગરપાલિકાએ છેલ્લા દસ દિવસમાં 10,000થી પણ વધુ રકમનો દંડ લોકો પાસેથી વસૂલ્યો છે. સમગ્ર જિલ્લામાં 31 માર્ચ સુધી પાંચ કે, તેથી વધુ લોકોને એકત્રિત ન થવા કલમ 144 લગાવી પ્રતિબંધ ફરમાવતો હુકમ કર્યો છે. મોલ, સિનેમા, નાટ્યગૃહ ખાણીપીણીની લારીઓ ચોપાટી, કમલાબાગ રિવરફ્રન્ટ સહિત જ્યાં લોકો વધુ સંખ્યામાં એકઠા થતા હોય ત્યાં પ્રતિબંધ ફરમાવાયો છે. આ ઉપરાંત જિલ્લામાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટિંગ યાર્ડમાં બગડી જાય તેવા શાકભાજી અને ફળ સિવાયની તમામ જણસીના ખરીદ વેચાણ ઉપર પ્રતિબંધ મુકાયો છે. ભોજનાલયો અને હોટલ ઉપર ગ્રાહકોને ફક્ત પાર્સલ સુવિધા ઉપલબ્ધ રાખવા અને તે સિવાય ભોજન પીરસવા સહિતની તમામ પ્રવૃત્તિઓ બંધ રાખવાની સુચના આપી છે.
પોરબંદરમાં વિદેશથી આવતા વ્યક્તિઓએ 14 દિવસ માટે હોમ ક્વોરન્ટાઈન રહેવા જિલ્લા આરોગ્ય અધિકારીએ અપીલ કરી છે. પોરબંદરમાં વિદેશથી આવેલા 78 લોકોનું સ્ક્રિનીંગ કરાયું છે. જેમાં 55 લોકો હોમ ક્વોરન્ટાઈન રખાવામાં આવ્યા છે. 9 લોકોને ક્વોરન્ટાઈન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય 4 લોકોને આઇસોલેશન વોર્ડમાં રખાયા છે.