7 કિલો 433 ગ્રામ હસીસ ડ્રગ્સ સાથે ઝડપાયાં પોરબંદર : પોરબંદર જિલ્લાના માધવપુર નજીક આવેલ મોચા ગામે કોઈ શખ્સો ડ્રગ્સ વેંચતા હોવાની બાતમી પોરબંદર પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે મોચા ગામના ચાર શખ્સોને 7 કિલો 433 ગ્રામ હસીસ ડ્રગ્સ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓએ મોચા ગામે બે અલગ અલગ સ્થળોએ ડ્રગ્સનો જથ્થો ખાડો ખોદીને છુપાવી રાખ્યો હતો.
ગઈ કાલે માધવપુર પોલીસને મોચા ગામે કોઈ શખ્સો ડ્રગ્સ વેચતા હોવાની બાતમી મળી હતી. જેના પગલે પોરબંદર એસઓજી અને એલસીબી ટીમે તપાસ કરતા મોચા ગામના ચાર શખ્સોની ધરપકડ કરી છે. જેમાં મોચા ગામમાં રહેતા અરજનનાથ હેમનાથ સતનાથ, તથા ભરત માધાભાઈ ચાવડા, પ્રફુલ ઉર્ફે બબલુ હજાભાઈ ચાવડા અને માલદે મુરુ ચાવડ ની સમાવેશ થાય છે તમામની પૂછપરછ કરતા અરજનનાથના ઘર પાસેથી ખાડો કરી છુપાવેલ ડ્રગ્સના બે પેકેટ મળી આવ્યા હતાં. આ ઉપરાંત સઘન પૂછપરછ કરતા ગોરસર લેન્ડીંગ પોઇન્ટ પાસે આવેલ નગબાઈ માતાજીના મંદિર પાસે આવેલ જાળીમાં ખાડો કરી દાટેલ 5 ડ્રગ્સના પેકેટ મળી કુલ 7 કિલો 433 ગ્રામ ડ્રગ્સનો જથો મળી આવ્યો હતો...ભગીરથસિંહ જાડેજા ( એસપી, પોરબંદર )
પેકેટ પર હબીબ સુગર મિલ્ક પાકિસ્તાનનો માર્ક : પોલીસને ચારેય શખ્સો પાસેથી જે જથો મળી આવ્યો છે. તેમાં પ્લાસ્ટિક થેલી પર ડેલટા કોફી પ્રિન્ટ કરેલ છે અને અંદર ડ્રગ્સના પેકેટ પર પ્લાસ્ટિક પર હબીબ સુગર મિલ્ક પાકિસ્તાનનો માર્ક મારેલો છે. એક કિલોના જથ્થાવાળી 7 કોથળી છે.
2022માં દરિયાકિનારે તણાઈને ડ્રગ્સના પેકેટ આવ્યાં હતાં : એસપી ભગીરથસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર આ અગાઉ 2022 માં માધવપુર દરિયાકિનારા પરથી અલગ અલગ બે જથ્થામાં ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતાં. જેમાં 23 કિલો અને 15 કિલોનો જથો મળી આવ્યો હતો. આ ચારેય શખસો પાસેથી મળેલ જથ્થામાં સામ્યતા જોવાં મળે છે અને તેના પરના લખાણ પણ મેચ થાય છે. આથી એ સમયે દરિયા કિનારા પરથી આ શખ્સોને ડ્રગ્સ મળેલ હોય તે સ્પષ્ટ થાય છે.
કેટલો જથ્થો વેચ્યો તે હવે તપાસમાં ખુલશે : મોચા ગામના પ્રફુલ ઉર્ફે બબલુ હજાભાઈ ચાવડા આ સમગ્ર પ્રકરણનો માસ્ટર માઈન્ડ હોય તેને દરિયા કિનારા પરથી ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો. તેની સાથે માલદે મુરુ ચાવડાએ રહી ડ્રગ્સના જથ્થાનો સંગ્રહ કરવામાં સાથ આપ્યો હતો. ભરત માધા ચાવડા ડ્રગ્સ વેચવા અને કસ્ટમર શોધી લાવવાનું કામ કરતો જ્યારે અરજનનાથે આ શખ્સો પાસેથી ડ્રગ્સ ખરીદ કર્યું હોય તેવી માહિતી પણ સામે આવી છે. આ પૂર્વે કોને અને કેટલો જથ્થો વેચ્યો તે પોલીસ તપાસમાં સામે આવશે.
આરોપીઓ માછીમાર નથી : ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા શખ્સો માછીમારો નથી. પરંતુ અવારનવાર દરિયા કિનારે જતા હોવાથી તેમને આ ડ્રગ્સનો જથ્થો મળ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે હ્યુમન ઇન્ટેલ્લીજન્સની મદદથી આરોપીઓને શોધી એનડીપીએસ એક્ટ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Porbandar News : પોરબંદરમાં દરિયામાંથી મળેલું કેમિકલ પીતાં બેનાં મોત, પાંચ હોસ્પિટલમાં દાખલ
- Drugs Crime in Surat : રાજસ્થાનથી સુરત અફીણ મંગાવતા હતાં પિતાપુત્ર, 1014 ગ્રામ અફીણનો જથ્થો જપ્ત
- MD drugs seized from Ahmedabad : અમદાવાદ માંથી ક્રાઈમ બ્રાન્ચે લાખો રુપિયાનું MD ડ્રગ્સ પકડી પાડ્યું