પોરબંદર: કોરોના રોગ ધીમે-ધીમે વધી રહ્યો છે અને ખાસ કરીને ગુજરાતના અમદાવાદ શહેરને બાનમાં લઇ મોટાભાગના કેસ હાલ આ શહેરમાં જ છે, આથી તબીબી સ્ટાફની ખાસ અહીં જરૂર પડે છે. જેથી સરકાર દ્વારા અન્ય જિલ્લાઓમાંથી તબીબી અને અન્ય સ્ટાફને સર્વે માટે અમદાવાદ બોલાવવામાં આવી રહ્યા છે. આવી જ રીતે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ આવતા પોરબંદરના પાંચ તબીબો ચાર નર્સ અને બે ફાર્માસિસ્ટ એમ કુલ 11 લોકોને અમદાવાદ કોરોના અંગેના સર્વે અર્થે જવાનો લેટર આવ્યો, શરૂઆતમાં તો તમામ લોકો ગભરાઈ ગયા અને અમદાવાદ જવા અંગે મનાઈ ફરમાવી હતી. પરંતુ ધીમે-ધીમે એકબીજાનો સપોર્ટ આપતા ગયા અને અમદાવાદ જવા માટે તૈયાર થયા તારીખ 18-5-2020થી તારીખ 4-6-2020 સુધી પોરબંદરથી 11 લોકોનો સ્ટાફ અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં કોરોના કેસ અંગેના સર્વેમાં જોડાઈ ગયો હતો, આ સમયે તેઓને અનેક મુશ્કેલીઓ પડી હતી.
તબીબોના જણાવ્યા અનુસાર એક તરફ અમદાવાદમાં ઉનાળાની ગરમી 45 ડિગ્રી તાપમાનમાં પીપીઇ કીટ પહેરીને અમો સવારે 9થી સાંજે 7 સુધી સર્વેમાં જતા હતા, જેમાં અનેક સારા નરસા અનુભવો થયા છે. જેમાં ઘણા લોકો પીપીઇ કીટ પહેરેલી જોઈને કોઈ પોઝિટિવ કેસને લેવા આવ્યા છે, એવી અફવા ફેલાવી દેતા અને લોકો ઘર બંધ કરી દેતા તો અમદાવાદમાં આવેલ આસરવા વિસ્તારમાં કડીયાની ચાલીમાં સર્વે કરવા ગયા તે સમયે તબીબોને ભગાડવા તેઓની પાછળ કૂતરો છૂટો મુક્યો હતો અને મહામુશ્કેલીએ તબીબો બચ્યા હતા. તો અનેક વિસ્તારોમાં કોરોના પોઝિટિવ આવશે તેવી ગેર માન્યતાના લીધે લોકો સહકાર ન આપી ભાગી જતા હતા, તો ઘણા વિસ્તારમાં લોકો સામેથી આવીને સર્વેમાં સહકાર આપતા હતા.