પક્ષીપ્રેમીઓ દ્વારા મકર સંક્રાતિના દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં પક્ષી બચાવવાના જાગૃતિ અભિયાનની પોસ્ટ મૂકવામાં આવી હતી. આ ઉપરાંત હેલ્પલાઇન નંબર પણ તેમાં લખેલ હોય છે. જેનાથી પક્ષી ઘવાયેલું હોય તો તાત્કાલિક લોકો સંપર્ક કરી અને પક્ષીનો જીવ બચાવી શકે છે. આ ઉપરાંત પક્ષી બચાવો અને કરૂણા અભિયાન સાથે હેલ્પલાઇન નંબર સહિતના પોસ્ટર શહેરભરમાં લગાવવામાં આવે છે. જેથી લોકોમાં જાગૃતિ આવે અને ગત વર્ષથી આ વર્ષે પક્ષીઓની મોતની સંખ્યામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે.
પોરબંદરમાં પતંગના દોરાથી 5 પક્ષીના મોત, 75 પક્ષીના રેસ્ક્યુ - કરુણા અભિયાન
પોરબંદરઃ શહેરમાં પતંગનો તહેવાર મકર સંક્રાંતિની ઉજવણી પોરબંદર શહેર ભરમાં આનંદ અને ઉલ્લાસથી લોકોએ કરી હતી, પરંતુ તેની સાથે સાથે પતંગના દોરાના કારણે અનેક પક્ષીઓ ઘવાયા હતા તો પાંચ જેટલા પક્ષીઓ મોતને ભેટ્યા હતા. રાજ્ય સરકારના કરૂણા અભિયાન દ્વારા તથા વિવિધ સમાજસેવી સંસ્થાઓ દ્વારા તારીખ 11થી પક્ષી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને જે હજુ ચાલી રહ્યું છે, ત્યારે પોરબંદર શહેર તથા આસપાસના ગામડામાંથી અત્યાર સુધીમાં 75 જેટલા પક્ષીઓ દોરાને કારણે ઘવાયેલા હતા. જેની સારવાર પક્ષી અભ્યારણ ખાતે આપવામાં આવી રહી છે. આ ઉપરાંત વધુ પડતા ઘાયલ થવાના કારણે પાંચ જેટલા પક્ષીઓના મોત નિપજ્યા છે.
હાલ આ અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે આવનારા દિવસોમાં પક્ષીઓના મોતનો આંકડો વધી શકે તેમ છે. ખાસ કરીને ફ્લેમિંગો, કબૂતર, કાગડા, કોયલ જેવા પક્ષીઓ ઘવાયેલા હાલતમાં પક્ષી અભ્યારણ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં એક હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. જ્યાં પક્ષીઓ અને તાત્કાલિક સારવાર આપી શકાય, જેમાં સરકારના કરુણા અભિયાનના વેટરનીટી તબીબો અને વન વિભાગના કર્મચારીઓ સહિત ગ્રીન વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટી પોરબંદરના સભ્યો તથા wildlife trust of india દિલ્હીના ડો. હેના ગંજવાલા, ડો.દક્ષ મંગોટ તથા વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના પ્રોજેકટ ઓફિસર આરાધના સિંગ સહિતના સભ્યો જોડાયા હતા. આ ઉપરાંત પ્રકૃતિ ધ યુથ સોસાયટીમાંથી ડો.હઠીસિંહ સીસોદીયા તથા ડો.રજત ઓડેદરા, ડો.સિધ્ધાર્થ ખંડેકર સહિત ચાર અન્ય તબીબોએ પણ સેવા આપી માનવતા મહેકાવી હતી.
વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ અભિયાનમાં જોડાયા હતા. ચોવીસ કલાક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેમાં ફોન આવતાની સાથે જ ઘવાયેલા પક્ષીઓને સારવાર મળી રહે છે.