- ગેરકાયદેસર રીતે જમીન પચાવી દબાણ કરનારા સામે કાર્યવાહી
- જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી
- લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ કરવાનો સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય
- સરકારી અને ખાનગી જમીન પર દબાણના કુલ 6 કેસમાં પોલીસ ફરિયાદનો નિર્ણય
પોરબંદર: રાજ્ય સરકાર દ્વારા ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી થાય તે માટે લેન્ડ ગ્રેબીંગ એક્ટ અમલમાં લાવવામાં આવેલો છે. પોરબંદર જિલ્લામાં સરકારી અને ખાનગી જમીન પચાવી પાડનારાઓ સામે કલેક્ટર અશોક શર્માના અધ્યક્ષ સ્થાને લેન્ડ ગ્રેબીંગ એકટ કાર્યવાહીની જિલ્લા કક્ષાની સમિતિમાં 8 દરખાસ્તોની તપાસ પૂર્ણ કરી સમીક્ષા થતાં કુલ 6 કેસમાં પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 3 કેસમાં સરકારી જમીન અને અન્ય ત્રણ કેસમાં ખાનગી જમીન પચાવી પાડવામાં આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કુલ 13 ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવશે.
અરજદારને પોલીસ ફરિયાદ કરવા જાણ કરવામાં આવી
આ અંગેની વિગત જોઈએ તો પોરબંદર શહેરમાં રૂ. 48.68 લાખ કિંમતની 950 ચોરસ મીટર જમીન પર 3 લોકોએ દબાણ કરતા તેમની સામે ફરિયાદ કરવા પોરબંદર શહેરના મામલતદારને જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત 5 લોકોએ 4901 ચો.મી.ની ખાનગી જમીન પર દબાણ કરતાં અરજદારને પોલીસ ફરિયાદ દાખલ કરવા જાણ કરવામાં આવી છે. તેમજ પોરબંદર તાલુકાના ધરમપુર ગામે જીઆઇડીસીની માલિકીની રૂ. 23.77 કરોડની 27-33-77 હેક્ટર જમીન પર કુલ આઠ લોકો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવતા આ બાબતે અરજદારને પોલીસ ફરિયાદ કરવા જાણ કરવામાં આવી છે.