- પોરબંદરમાં 20 સ્થળોએ લગાવાશે પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર
- 4.47 લાખના ખર્ચે સ્પીડ બ્રેકર લગાવવાની કામગીરી હાથ ધરાઇ
- અકસ્માતના નિવારણ માટે સ્પીડ બ્રેકર મુકવાના કામને મંજૂરી
વધતા જતા અકસ્માતના બનાવને રોકવા પોરબંદર શહેરમાં લગાવાશે પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર - Road safety fund scheme
સરકાર દ્વારા માર્ગ સુરક્ષા નિધિ યોજના અંતર્ગત ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાંથી શહેરની અલગ અલગ જગ્યાએ અકસ્માત ન થાય તે માટે સ્પીડ બ્રેકર લગાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાઈ છે. જેમાં 1 મીટર પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકરના 2250 લેખે 4.47 લાખના ખર્ચે સ્પીડ બ્રેકર લગાવવામાં આવી રહ્યા છે. જેમાં કુલ 611 ફૂટ એટલે કે 199 મીટર સ્પીડ બ્રેકર લગાવવામાં આવશે.

પોરબંદરઃ પોરબંદરમાં લાખો રૂપિયાના ખર્ચે અગાઉ નખાયેલા પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર નીકળી ગયા બાદ ફરીથી તેજ કામ હાથ ધરાયું છે. પોણા બે વર્ષમાં બીજી વખત શહેરમાં અલગ અલગ 20 સ્થળોએ 4.47 લાખના ખર્ચે સ્પીડ બ્રેકર નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
થોડા દિવસો પહેલા અકસ્માતમાં એક પોલીસ જવાનનું થયું હતું મોત
પોરબંદરમાં રસ્તાનું નવીનિકરણ થતાં જ વાહન ચાલકો બેફામ બની ગયા છે. ત્યારે વાહનચાલકો પૂર ઝડપે વાહનો ચલાવતા હોવાના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં અકસ્માતનો ભય નગરજનોમાં સેવાઇ રહ્યો છે. થોડા દિવસો પહેલા જ પોરબંદરમાં વીરભનુની ખાંભી પાસે અકસ્માતમાં એક પોલીસ જવાનનું મોત નીપજ્યું હતું. આમ અકસ્માતનો ભય વધુ પ્રમાણમાં સેવાઇ રહ્યો હતો. જેથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં અકસ્માતના નિવારણ માટે અકસ્માતો ઓછા થાય તેવા આશયથી પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર મુકવાના કામને મંજૂરી આપવામાં આવી છે. ત્યારે તંત્ર દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.