પોરબંદર જિલ્લામાં લોકો ઘરે રહીને કરી રહ્યાં છે યોગ સપ્તાહ ઉજવણી - યોગ સપ્તાહ ઉજવણી પોરબંદર
પોરબંદર જિલ્લામાં લોકો ઘરે રહીને યોગ સપ્તાહની ઉજવણી કરી રહ્યા છે. જિલ્લા કલેક્ટર સહિતના યોગ પ્રેમીઓએ પોતાને ગમતા યોગાસનો સોશિયલ મીડિયા પર #DoYouBeatCorona હેશટેગ સાથે શેર કર્યા હતા.
પોરબંદર: 21મી જુન વિશ્વ યોગ દિવસની ઉજવણીનાં ભાગરૂપે યોગ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે. કોરોના મહામારીના કારણે લોકો પોતાના પરિવાર સાથે ઘરે જ યોગ કરી પોતાને ગમતુ એક યોગાસન સોશિયલ મીડિયા પર #DoYouBeatCorona હેશટેગ સાથે મુકે તેવી મુખ્યપ્રધાન રૂપાણીની અપીલને માન આપીને તથા યોગનુ મહત્વ સમજીને પોરબંદર જિલ્લાનાં બાળકોથી મોટી ઉમરના વડીલો, સરકારી કર્મચારીઓ, વિદ્યાર્થીઓએ યોગાસન કર્યા હતા.
યોગ એ સંપૂર્ણ વૈજ્ઞાનિક પધ્ધતિ છે. નિયમિત યોગના અભ્યાસથી મન સ્થિર થાય છે. તન અને મનની તંદુરસ્તી જળવાઇ રહે છે. ઘડીક ભૂતકાળ તો ઘડીક ભવિષ્યમાં સમુદ્રમંથનની જેમ વલોવાતા માણસનાં મનને યોગનો નિયમિત અભ્યાસ સ્થિર કરવાની ક્ષમતા આપે છે.
મુખ્યપ્રધાન દ્રારા કરાયેલી અપીલને ધ્યાનમાં રાખીને તથા યોગના મહત્વને સમજીને પોરબંદરવાસીઓ સંકલ્પબધ્ધ થયા છે. આજે વહેલી સવારે જિલ્લા કલેકટર ડી.એન.મોદી સહિતના અધિકારીઓએ યોગ કરીને પોતાને ગમતુ યોગાસન સોશિયલ મીડિયા પર મૂક્યુ હતું.
સ્કુલમાં નિયમિત યોગ પ્રાણાયામ કરતી ઓડદર પે સેન્ટરમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિધાર્થિની આરતી છેલાણા કહે છે કે, હું કોરોના મહામારીને હરાવવા માટે ઘરે યોગ કરૂં છું અને મારા પરિવારને પણ યોગ કરવા પ્રોત્સાહિત કરૂ છું. યોગ કરવાથી અભ્યાસમાં મારી એકાગ્રતા જળવાઇ રહે છે.
કુતિયાણાના દાસા તેજસભાઇ જુદા જુદા યોગાસનો કરીને પોતાના મિત્રો, સગા સબંધીઓને યોગાસન કરાવવા પ્રોત્સાહિત કરે છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત તાલીમ લઇ રહેલા સ્વાતિબેન કહે છે કે, હું નિયમિત યોગ કરૂ છું. અને યોગ કરાવુ છું. મને ગમતુ આસન ઉષ્ટ્રાસન છે.
પોરબંદર જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ સહિત લોકો યોગ સપ્તાહ ઉજવણીમાં જોડાઇને કોરોનાને હરાવવા તથા યોગ કરવા સંકલ્પબધ્ધ થયા છે.