- પોરબંદરમાં સ્કૂલ ફીને લઈ વાલીઓએ કર્યો હોબાળો
- જે. વી. ગોઢાણિયા સ્કૂલ દ્વારા વાલીઓ પાસેથી વધુ ફી ઉઘરાણી કરાતા વાલીઓનો વિરોધ
- ગોઢાણીયા સ્કૂલ સામે કડક પગલા ભરવા વાલીઓએ માંગ કરી
પોરબંદરઃ રાજ્યમાં છેલ્લા કેટલાય મહિનાથી સ્કૂલ બંધ છે. કોરોના મહામારીના પગલે સ્કૂલ- કોલેજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, ત્યારે વિદ્યાર્થીઓને હાલ ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે. રાજ્ય સરકારે સ્કૂલોને શૈક્ષણિક ફી સિવાય અન્ય કોઈ પણ પ્રકારની ફી વાલીઓ પાસેથી ઉઘરાણી કરવાની મનાઈ કરી છે. તેમ છતાં પોરબંદરની જે. વી. ગોઢાણિયા સ્કૂલ દ્વારા વાલીઓ પાસેથી વધુ ફી ઉઘરાણી કરતા વાલીઓએ ગુરુવારે સ્કૂલમાં હોબાળો કર્યો હતો.
યૂ-ટ્યુબના વીડિયો વિદ્યાર્થીઓને સેન્ડ કરી દેવામાં આવતા હોવાનો આક્ષેપ
રાજ્ય સરકારની ગાઇડ લાઇન મુજબ શૈક્ષણિક ફી લઈ શકાય છે, પરંતુ વાલીઓના જણાવ્યાં અનુસાર પોરબંદરની ગોઢાણિયા સ્કૂલમાં વધુ ફી ઉઘરાવવામાં આવતી હતી. જ્યારે ફીની પહોંચ માગવામાં આવે ત્યારે જનરલ ફીમાં તમામ ફી આવરી લેવામા આવી હતી. તેમાં અન્ય કોઈ ઉલ્લેખ કરવામાં આવતું ન હતું. આ ઉપરાંત ઓનલાઈન શિક્ષણમાં પણ યૂ-ટ્યુબના અન્ય વીડિયો ડાઉનલોડ કરી વિદ્યાર્થીઓને સેન્ડ કરી દેવામાં આવતા હોવાનો આક્ષેપ વાલીઓએ કર્યો હતો. ઓનલાઈન એજ્યુકેશનમાં શિક્ષક વીડિયોના માધ્યમથી વિદ્યાર્થીઓને ભણાવે છે, પરતું આ શાળા દ્વારા આમ ન થતું હોય જેથી ઓનલાઈન શિક્ષણના નામે ખોટી ફી વસુલાત કરતા હોવાનું પણ વાલીઓએ જણાવ્યું હતું.