પોરબંદર : પાકિસ્તાન દ્વારા અવારનવાર ભારતીય દરિયાની હદમાંથી ભારતીય બોટનું અપહરણ કરવામાં આવે છે. ત્યારે એક દિવસ પહેલાં પણ પાકિસ્તાન મરીન સિકયુરિટી ફોર્સ દ્વારા બોટનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેમાં 8 જેટલી બોટ અને 45 માછીમારો હોવાની વિગતો સામે આવી હતી.
આ અંતર્ગત ગુરૂવારે પાકિસ્તાન ઇન્ડિયા ફિસ ફોરમ એન્ડ ડેમોક્રેસીના સભ્ય જીવન જુંગીએ પાકિસ્તાન ઇન્ડિયા ફિસ ફોરમ એન્ડ ડેમોક્રેસીના સેક્રેટરી સાથે વાત કરી હતી. જેમાં તેમને બુધવારે માછીમારોના અપહરણની ઘટનામાં કુલ 10 બોટ અને 56 માછીમારોના અપહરણ થયા હોવાની માહિતી આપી હતી. આ માછીમારો કરાંચી ખાતે પહોંચ્યા હોવાની વિગતો મળી છે. જો કે, આ બાબતે તંત્ર દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતનો દરિયા કિનારો સૌથી લાંબો છે, ત્યારે પાકિસ્તાન દ્વારા અનેકવખત ઘુસરખોરી કરી ભારતીય માછીમારોના અપહરણ કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોના અપહરણ કરવાની આ પહેલી ઘટના નથી, આ પહેલા પણ પાકિસ્તાન દ્વારા અનેક વખત માછીમારોનું તેમની બોટ સાથે અપહરણ કરવામાં આવ્યું છે, ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાને સૌરાષ્ટ્રની 3 બોટ સાથે 17 માછીમારોનું અપહરણ કર્યું હતું. પાકિસ્તાન દ્વારા વારંવાર માછીમારોનું અપહરણ કરાતા માછીમારોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે જ માછીમારોએ આ બાબતે યોગ્ય નિરાકરણ આવે તેવી માગ કરી રહ્યા છે.