ગુજરાત

gujarat

By

Published : Aug 1, 2019, 1:22 PM IST

ETV Bharat / state

પોરબંદરના ટુકડા ગોસા ગામે કલેક્ટર દ્વારા રાત્રીસભા યોજાઈ

પોરબંદરઃ જિલ્લાના ટુકડા ગોસા ગામે કલેક્ટર મુકેશ પંડ્યાના અધ્યક્ષ સ્થાને રાત્રીસભા યોજાઇ હતી. ગામના લોકો સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ થાય અને ગામ લોકોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવી શકાય તે હેતુથી કલેક્ટર દ્વારા રાત્રીસભા યોજાઈ હતી.

કલેક્ટર દ્વારા રાત્રીસભા યોજાઈ

આ પ્રસંગે કલેક્ટરે સરકાર દ્વારા કાર્યરત જનહિતકારી યોજનાઓ અને ગ્રાન્ટની પ્રક્રિયાથી ગ્રામજનોને માહિતગાર કર્યા હતા. ગ્રામજનોએ રજુ કરેલા પ્રશ્નોનુ તત્કાલ નિરાકરણ લાવવા સબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક એસ.ડી.ધાનાણીએ સખી મંડળ, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજનાઓથી ગ્રામલોકોને વાકેફ કર્યા હતા તથા ગામમાં સ્વચ્છતા જાળવવા પર ભાર મુકયો હતો.

ગામમાં કલેક્ટર દ્વારા રાત્રીસભા યોજાઈ હતી. જેમા જિલ્લા ખેતીવાડી અધિકારી પરમારે સરકારની સબસીડીથી મળતુ ટ્રેકટર સહિત વિવિધ ખેત ઓજાર, બિયારણ, જંતુનાશક દવા વિશે વિસ્તારથી માહિતી આપી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી રાઠોડે માં અમૃતમ કાર્ડ સહિત આરોગ્ય લક્ષી યોજનાથી ગ્રામ લોકોને વાકેફ કર્યા હતા. આઇ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ આસીસ્ટન્ટ સ્વાતિ જોષીએ બાળક તથા સગર્ભા, ધાત્રી મહિલા માટે સરકાર દ્વારા વિતરણ કરાતુ પોષણ લક્ષી અનાજ, વિવિધ યોજનાની જાણકારી આપી હતી.

આ ઉપરાંત ગ્રામજનોએ સાર્વજનિક શૌચાલય, પાણીની સમસ્યા, કોમ્યુનિટી હોલ, જાહેર રસ્તામાં ગંદકી, રસ્તા પર પુલ બનાવવા તથા કેનાલ સબંધીત પ્રશ્નો રજૂ કર્યા હતા. ગ્રામજનોએ ઉઠાવેલા પ્રશ્નોનુ તત્કાલ નિરાકરણ લાવવા જિલ્લા કલેક્ટરએ સબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. રાત્રીસભામાં તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિત તાલુકા અને જિલ્લાનાં વિવિધ વિભાગોનાં અધિકારીઓ, ઉપસરપંચ રામજીભાઇ, તલાટી મંત્રી દિવ્યાબેન ચૌહાણ, આંગણવાડી તથા આશા બહેનો, ફિમેલ હેલ્થ વર્કર તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન શિક્ષક રવીભાઇએ અને આભારવિધિ સરપંચ લાલજીભાઇ ટુકડીયાએ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details