- ભક્તિ શક્તિ અને આરાધનાનું પર્વ એટલે નવરાત્રી
- પાર્ટી પ્લોટ ગરબા બંધ હોવાના લીધે ટ્રેડિશનલ ડ્રેસના વેચાણમાં ઘટાડો
- ગરબાના વેચાણમાં પહેલા જેવા ભાવ ન મળતા વેપારીઓ નિરાશ
પોરબંદરઃ ત્રીજી લહેરના ભયના કારણે સરકાર દ્વારા શેરી ગરબાઓને જ મંજૂરી આપવામાં આવી છે, પરંતુ મોટાભાગે પાર્ટી પ્લોટમાં રમાતી ગરબીઓમાં ટ્રેડિશનલ ડ્રેસનું ખૂબ જ મહત્વ હોય છે અને યુવાનોમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરવાનો અનેરો ઉત્સાહ હોય છે. જેના કારણે આ ડ્રેસ બનાવનાર વેપારીઓને મોટી આવક થતી હોય છે. પરંતુ પાર્ટી પ્લોટ ગરબા બંધ (Navratri2021) થવાના કારણે ગ્રાહકોની સંખ્યામાં એકાએક ઘટાડો જોવા મળી રહ્યો છે. તો ગરબા બનાવનાર પ્રજાપતિ સમાજના લોકોને પણ ગરબા વેચવા માટે પહેલાં કરતાં ઓછા ભાવ મળી રહ્યાં છે અને નુકસાની વેઠવી પડે છે.
ટ્રેડિશનલ ડ્રેસીસના વેચાણમાં મંદી છવાઈ
પોરબંદરમાં જલારામ ડ્રેસીસ ચલાવતા રેખાબેને જણાવ્યું હતું કે દર વર્ષે અમે વિવિધ પ્રકારના ટ્રેડિશનલ ડ્રેસ બનાવીએ છીએે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે વ્યવસાય બંધ હતો. આ વર્ષે (Navratri2021) વધારે આવક થશે તેવી આશા હતી, પરંતુ ત્રીજી લહેરના ભયના પગલે રાજ્ય સરકાર દ્વારા પાર્ટી પ્લોટમાં રમાતા ગરબા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમારો વ્યવસાય આ પાર્ટી પ્લોટના ગરબા પર જ નિર્ભર છે. મોટાભાગના યુવાનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરી પાર્ટીપ્લોટમાં યોજાતા ગરબામાં જવાનું વધુ પસંદ કરે છે. જ્યારે આ પાર્ટી પ્લોટના ગરબાનું આયોજન કરવાની મનાઈ હોવાથી અમારા વ્યવસાયને માઠી અસર પડી છે. અગાઉ એક દિવસમાં 30થી 40 ડ્રેસ ભાડે જતાં હતાં. પરંતુ હવે પાંચ ડ્રેસ પણ એક દિવસમાં નથી જતાં.