પોરબંદર: જિલ્લા NSUIની કારોબારી બેઠકમાં સભ્યો દ્વારા કોરોના મહામારીના સમયમાં યુનિવર્સિટી દ્વારા જે રીતે પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને તેમજ રાજ્યમાં શિક્ષણની પરિસ્થિતિને લઇને ચર્ચા કરવામાં આવી હતી.
પોરબંદર જિલ્લા NSUI બેઠકમાં પરીક્ષાઓના આયોજનનો વિરોધ તમામ શાળાઓમાં શિક્ષણ કાર્ય છેલ્લા કેટલાય સમયથી બંધ છે. ત્યારે અત્યારે શાળાઓ ફી માંગી વાલીઓને હેરાન કરી રહી છે. સરકાર પણ વાલીઓ માથે ફીનું ભારણ નાખી ખાનગી શાળાઓના સત્તાધીશોને છાવરવાનું કામ કરી રહી છે. હાલ 5 મહિનાથી સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે જેથી લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે, ધંધાઓ ઠપ્પ થઇ ગયા છે ત્યારે વાલીઓ કઇ રીતે શાળાની એટલી મોટી મોટી ફી ભરે તે પણ એક પ્રશ્ન છે.
યુનિવર્સિટીની પરીક્ષાઓને લઇને પણ વિદ્યાર્થીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે, બીજી બાજુ સરકાર યુવાન બેરોજગારોના ભવિષ્ય સાથે પણ રમી રહી છે, સરકારી ભરતી છેલ્લા કેટલા સમયથી બંધ કરી દીધી છે તેમજ નવી પરીક્ષાઓની તારીખ પણ જાહેર કરતી નથી વગેરે જેવા મુદ્દે NSUI પ્રદેશ પ્રમુખ મહિપાલસિહ ગઢવીએ સરકારને વખોડી હતી.
પોરબંદર જિલ્લા NSUI બેઠકમાં પરીક્ષાઓના આયોજનનો વિરોધ સરકાર દ્વારા જે નવી શિક્ષણ નીતિ બહાર પડાઇ છે તે 34 વર્ષ પછી બદલવામાં આવી છે, સરકાર અત્યારે યુનિવર્સિટીને નિર્ણય લેવાની સ્વતંત્રતા છીનવી લેવાનો કારસો ઘડી રહી છે, સરકારે ફક્ત પોતાના મળતિયાઓને ફાયદો કરાવી ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવાનો રસ્તો પહોળો કરી દીધો છે જેવા અનેક આક્ષેપો તેમણે કર્યા હતા.
અર્જુનભાઇ મોઢવાડિયાએ આગામી બેઠકમાં જણાવ્યું હતું કે, આગામી સમય હવે યુવાનોનો જ છે. વધુમાં વધુ યુવાનો સંગઠન સાથે અને પક્ષની વિચારધારા સાથે જોડાવું જોઈએ, આગામી તાલુકા/ જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે વધુને વધુ યુવાનોએ આગળ આવી પક્ષની આગેવાની કરવાની જરૂર છે.
આ સાથે જ કારોબારી બેઠકમાં નવા હોદ્દેદારોની નિમણૂક પણ કરાઇ હતી. જેમાં પ્રદેશ પ્રમુખ મહિપાલસિહ ગઢવી હસ્તક બધાને નિમણૂક પત્રો અપાયા હતા. કુણાલ રજવાડીને પોરબંદર જિલ્લા NSUIના મંત્રી તરીકે તેમજ સુરજ રેણુકા, જયમિત જોષી અને જેસલ જાડેજાને પોરબંદર NSUI ના સોશીયલ મીડિયા કો- ઓર્ડીનેટર તરીકે નિમણૂક અપાઇ હતી.
બેઠકમાં વરિષ્ઠ આગેવાન સામતભાઈ ઓડેદરા, ગુજરાત પ્રદેશ NSUI ઉપપ્રમુખ તીર્થરાજ બાપોદરા, જિલ્લા NSUI પ્રમુખ કિશન રાઠોડ, યુવક પ્રમુખ ધર્મેશ પરમાર તેમજ જિલ્લા NSUI ના હોદેદોરો ઉપસ્થિત રહ્યા હતા.