- પોરબંદરના રાણાવાવ તાલુકામાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ
- પ્રવાસન અને મત્સ્યોદ્યોગ પ્રધાન જવાહર ચાવડાએ કરાવ્યો યોજનાનો પ્રારંભ
- આ યોજના અતંર્ગત 23 ગામના ખેડૂતોને દિવસે પણ વીજ પૂરવઠો મળશે
પોરબંદરઃ પ્રવાસન અને મત્સ્યોદ્યોગ પ્રધાન જવાહર ચાવડાએ પોરબંદરના રાણાવાવ તાલુકામાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યોજના અંતર્ગત 23 ગામના ખેડૂતોને દિવસે પણ વીજળી મળી રહેશે. તાજેતરમાં શરૂ થયેલી સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજનાનો લાભ ગુજરાતના ખેડૂતોને મળ્યો છે. ખેતી પાકના ઉત્પાદન માટે પાણી અને વીજળી ખૂબ જ જરૂરી હોય છે, ત્યારે ખેડૂતોને પુરતું પાણી અને વીજળી મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. ખેડૂતોએ રાત્રિ ઊજાગરા કરીને ખેતી ન કરવી પડે અને દિવસે વીજળી મળી રહે તે માટે રાજ્ય સરકારે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરી છે.
આ પ્રસંગે યોજના ખૂલ્લી મૂકી ખેડૂતોને શુભેચ્છા પાઠવીને પ્રધાન જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે, આ યોજનાથી હવે ખેડૂતોએ રાત ઊજાગરા કરવા નહીં પડે. દિવસે વીજળી મળવાથી ખેડૂત દિવસે ખેતી કરી શકશે અને પાકને જોઈતું જરૂરી પાણી મોટર ચાલુ રાખીને જમીનને પુરું પાડી શકશે અને રાત્રે પોતાના પરિવાર સાથે રહી શકશે. ખેડૂતોની આવક બમણી થાય તે દિશામા રાજ્ય અને કેન્દ્ર સરકાર ગંભીરતાથી કામ કરી રહી છે. જગતના તાત એવા ખેડૂતો અને તેના પરિવારની ચિંતા કરીને રાજ્ય અને કેન્દ્ર સરકારે અનેક યોજનાઓ શરૂ કરી છે. લોકોની ભૂખ ભાગતા ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના થકી દિવસે સરળતાથી વીજળી મળવાથી રાજ્યના ખેડૂતો દિવસે પણ પાણીની મોટર ચાલુ કરી શકશે.