- સોશિયલ મીડિયામાં ફેક આઈડી બનાવનાર કેશોદનો યુવાન ઝડપાયો
- પોરબંદર તાલુકાની યુવતીના નામે ફેક આઈડી બનાવ્યું હતું
- વધુ લાઈક મળે તે માટે યુવાને અજમાવ્યો હતો આ રસ્તો
પોરબંદરઃ સોશિયલ મીડિયામાં વધુ લાઈક મળે તે માટે એક 19 વર્ષીય યુવાને પોરબંદર તાલુકાની એક યુવતીના નામે ફેક આઈડી બનાવી તેમના ફોટા અપલોડ કર્યા હતા, જે અંગે યુવતીના પરિવારજનોને જાણ થતા તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે આ શખ્સને કેશોદ તાલુકાના પંચાળા ગામેથી ઝડપી લીધો હતો.
શોધખોળ કરી અંતે પોલીસે કેશોદના યુવાનને ઝડપી પાડ્યો
પોરબંદર તાલુકાના બગવદર પોલીસ મથકે તારિખ 27/12/20 ના રોજ એક મહિલાના નામ પર સોશિયલ મીડિયામાં કોઈ અજાણ્યા શખ્સે ખોટું આઈડી બનાવી તેમના ફોટા તથા ખાનગી માહિતી અપલોડ કરતા હોવાનો ગુનો દાખલ થયો હતો. જેની તપાસ રાણાવાવ સીપીઆઈ કચેરીના ઇન્ચાર્જ પીઆઇ એચ.એલ.આહીર ચલાવી રહ્યા હતા. ત્યારે સોશિયલ મીડિયામાં મહિલાના નામે ખોટા આઈડી બનાવનાર જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પંચાળા ગામનો અરૂણ માંડા ડાકીની તપાસ કરી આ શખ્સને ઝડપી લીધો હતો.
એક વર્ષ પહેલા યુવાને ફેક આઈડી બનાવી હતી
સોશિયલ મીડિયામાં એક વર્ષ પહેલા ફેક આઈડી બનાવી વધારે લાઈક મળે તે માટે બનાવી હોવાની કબૂલાત આ શખ્સે આપી હતી. પોલીસે શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.