પોરબંદરઃ આજ 3 ડિસેમ્બરને સમગ્ર વિશ્વ ઈન્ટરનેશનલ ડે ઓફ ડિસેબલ પરસન્સ એટલે કે 'વિશ્વ દિવ્યાંગ દિવસ' તરીકે ઉજવે છે. દિવ્યાંગો માત્ર દયાની જરુર નથી જો તેમને યોગ્ય સહકાર અને પ્રોત્સાહન પૂરુ પાડવામાં આવે તો તેઓ સફળતાના શીખરો સર કરી શકે છે. તેથી જ આજના દિવસે સરકારો, દિવ્યાંગોને સેવા કરતી સંસ્થાઓ, એનજીઓ વગેરે દિવ્યાંગોના હિતમાં વિવિધ કાર્યક્રમો યોજે છે. આજના દિવસે દિવ્યાંગોના જીવનને નવો વળાંક આપી સમૃદ્ધ કરતી સંસ્થાઓનું બહુમાન પણ કરવામાં આવે છે. જેથી અન્ય સંસ્થાઓ અને એનજીઓને પ્રોત્સાહન મળે. પોરબંદરની આવી જ એક સંસ્થા છેલ્લા 6 દાયકાથી દિવ્યાંગોના જીવનને નવો ઓપ આપવામાં કાર્યરત છે.
પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ વિશેઃ પોરબંદર શહેરમાં શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરુકુળ છેલ્લા 6 દાયકા કરતા વધુ સમયથી પ્રજ્ઞાચક્ષુઓ તેમજ દિવ્યાંગોને મદદરુપ થઈ રહી છે. પોરબંદરના સ્વ. દેવજીભાઈ જેઠાભાઈ ખોખરી દ્વારા તા.01-06-1960માં આ ગુરુકુળની સ્થાપના વાઘેશ્વર પ્લોટમાં કરવામાં આવી હતી. તે સમયે આંખો ગુમાવી ચૂકેલા પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગોની જિંદગીમાં અજવાળું પાથરવાનું શરુ કરવામાં આવ્યું હતું. આ સંસ્થા અત્યાર સુધી 17,500થી વધુ દિવ્યાંગોને રહેવા, જમવાની, શિક્ષણ, તબીબી સારવાર જેવી પ્રાથમિક સુવિધા સાથે માર્ગદર્શન અને રોજગાર પ્રશિક્ષણ પણ પૂરુ પાડી ચૂકી છે. અત્યારે સ્વ. દેવજીભાઇ ખોખરી સ્થાપિત આ સંસ્થા કમલેશભાઈ ખોખરીના માર્ગદર્શન હેઠળ અનેક પ્રજ્ઞાચક્ષુઓને તાલીમબદ્ધ કરાઈ સ્વરોજગારી મેળવી, સમાજમાં સન્માનભેર જીવન વ્યતિત કરી શકે તે માટે આ સંસ્થા પ્રયત્નરત છે.
સંસ્થાના કાર્યોઃ આ સંસ્થામાં બ્રેઈલ લીપી, શાસ્ત્રીય સંગીત, પર્સનાલિટી ડેવલોપમેંટ, ગૃહ ઉદ્યોગોની તાલીમ આપવામાં આવે છે. સમયાંતરે દિવ્યાંગોના સામાન્ય જ્ઞાન, યાદશક્તિ, વકતૃત્વ, શાસ્ત્રીય ગાયન, શાસ્ત્રીય વાદન, બ્રેઈલ લેખન, ભજન સંઘ્યા, રમત-ગમત વગેરે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. રહેવા જમવાની અદ્યતન સગવડની સાથો સાથ તબીબી સારવાર આપવામાં આવે છે અને રમત ગમતની ર્સ્પધાઓ પણ યોજાય છે. દિવ્યાંગોને ઓડિયો એજ્યુકેશન પ્રોજેક્ટથી શિક્ષણ તેમજ કોમ્પ્યૂટર તાલીમ પણ અપાઈ રહી છે.