પોરબંદર : ભારતીય નૌસેના દ્વારા વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લઇ આવવા માટે 8 MAY 2020ના રોજ ઓપરેશન સમુદ્ર સેતુ શરૂ કરવામાં આવ્યું છે. ભારતીય નૌસેનાના જહાજ જલશ્વ અને મગર દ્વારા અત્યાર સુધીમાં માલદીવ અને શ્રીલંકામાંથી 2874 લોકોને ભારતમાં લઇ આવવામાં આવ્યા છે. જ્યારે અન્ય સમુદ્રસેતુના અભિયાન અંતર્ગત ઈસ્લામિક પ્રજાસત્તાક રાષ્ટ્ર ઈરાનના અબ્બાસ બંદર પરથી 8 જૂનના રોજ ભારતીયોને લઇ આવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
ઓપરેશન સમુદ્ર સેતુ અંતર્ગત ઈરાનમાં રહેતા ભારતીય લોકો પોરબંદર પહોંચ્યા
વિશ્વભરમાં કોરોના વાઇરસની કહેર ચાલી રહ્યું છે, ત્યારે અનેક દેશમાં ભારતીયો આ સમયે ફસાયેલા છે અને તેઓને પરત ભારત લઇ આવવા માટે ભારત સરકાર અને નૌસેના દ્વારા ઓપરેશન સમુદ્ર સેતુ શરૂ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજે ગુરુવારે ભારતીય નૌસેનાની INS શાર્દુલ શીપ દ્વારા તમામ ભારતીયોને પોરબંદર ખાતે લઇ આવવામાં આવ્યા છે.
ઈસ્લામિક પ્રજાસત્તાક રાષ્ટ્ર ઈરાન સ્થિત ભારતીય લોકોને લઇ આવવા માટે તમામની તબીબી તપાસ બાદ જ જહાજમાં બેસવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. INS શાર્દુલ પર કોવિડ-19 સંબંધિત સામાજિક અંતરના માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ જહાજ વિશેષ રૂપે વિદેશમાંથી ભારતીયોને પરત લઇ આવવા માટે તેનાત કરવામાં આવ્યું છે. જેમાં અતિરિક્ત તબીબી સ્ટાફ, હાઇજેનિસ્ટ ન્યુટ્રિશનિસ્ટ મેડિકલ સ્ટોર, વ્યક્તિ ગત સુરક્ષાત્મક ઉપકરણો, ફેસ માસ્ક, જીવન રક્ષક ઉપકરણો, રાખવામાં આવ્યા છે.
આ ઉપરાંત જહાજમાં આઈસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે અને લક્ષણો ન ધરાવતા હોય તેવા લોકો માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. આ તકે પોરબંદર બંદર પર ઉતર્યા બાદ પણ તમામ પ્રવાસીનું સ્ક્રીનીંગ અને તબીબી પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ જહાજમાં 233 ભારતીય લોકો ઇરાનથી પોરબંદર બંદર આવ્યા છે. જેમાં મોટા ભાગના વલસાડના માછીમારો હોવાની વીગતો પ્રાપ્ત થઈ છે. હવે રાજ્ય અને જિલ્લા પ્રશાશન ટિમ દ્વારા લોકોને પોતાના શહેરમાં પહોંચાડવામાં આવવાની કાર્યવાહી અંગે નિર્ણય લેવાશે.