લ્યો બોલો..! પોરબંદરમાં રૂપિયા 92 કરોડના ખર્ચે તૈયાર થયેલા 2448 આવાસોની હવે થશે ફાળવણી - પોરબંદરમાં બિલ્ડિંગ બિસ્માર
પોરબંદરમાં રૂપિયા 92 કરોડના ખર્ચે 2448 આવાસો બનાવવામાં આવ્યા છે પરંતુ આ આવાસોની ફાળવણી હજુ સુધી કરવામાં આવી નથી. ત્યારે તંત્રની ઘોર બેદરકારીના કારણે ગરીબ લોકો લાભથી વંચિત રહ્યા છે. ત્યારે પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, શુક્રવારથી અલગ-અલગ ત્રણ સ્ટેજમાં લોકોને મકાનની ફાળવણી કરવામાં આવશે.
પોરબંદર: શહેરમાં રૂપિયા 92 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા આવાસમાં રૂમ, રસોડું, બાથરૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં પોરબંદરમાં મિશન યોજના અંતર્ગત બોખીરા અને કુછડી ગામની વચ્ચેના રોડ પર શહેરી ગરીબો માટે છેલ્લા ત્રણ વર્ષથી 2448 જેટલા મકાનો રહેણાંક મકાનો તૈયાર કરી દેવામાં આવ્યા છે. તેમજ મધ્યમ વર્ગના લોકોએ આવાસ માટે જરૂરી 5000 રૂપિયા ભરી દીધા હોવા છતાં પણ તેમને હજુ સુધી મકાનોની ફાળવણી કરવામાં આવી નથી. ત્યારે બીજી તરફ સમાજ કલ્યાણ વિભાગે મકાનો જર્જરિત બનતા મકાનના સમારકામ પછી જ ગ્રાન્ટ મંજૂર થશે, તેવું પાલિકાના સત્તાવાળાઓને જણાવી દીધું હતું. જેના કારણે મકાનનું સમારકામ પણ હાથ ધરવામાં આવ્યું હતું.