પોરબંદરઃ સાંદિપની શ્રી હરિ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી હોળી અને ધૂળેટીનું પર્વ ઉજવાશે. જેમાં દેશવિદેશના ભક્તો હરિ સંગ હોળી રમી ભક્તિના રંગોથી રંગાઈ જશે. 9 માર્ચના દિવસે હોળીનો તહેવાર છે જેને લઇને શ્રી હરિ મંદિર ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
પોરબંદરના સાંદિપની શ્રી હરિ મંદિરમાં હોળી-ધૂળેટી ઉત્સવનું આયોજન કરાયું - હોલિકાદહન
કોરોના વાયરસના ભય વચ્ચે સામૂહિક કાર્યક્રમોના આયોજનો મંદ પડી રહ્યાં છે, ત્યારે તકેદારી સાથે પણ એવા કાર્યક્રમ થઈ શકે છે. પોરબંદરના સાંદિપની શ્રી હરિ મંદિરે હોળીધૂળેટી ઉત્સવની ઉજવણી થશે. જેમાં હોલિકાદહન, ફૂલડોલ ઉત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે.
9મી માર્ચે હોળીના દિવસે હરિ મંદિરમાં સવારે 8 વાગ્યે નૂતન ધ્વજારોહણ થશે અને બાદમાં સાંજે 6-30 થી 7 વાગ્યે ભાઈશ્રી દ્વારા શ્રી હરિના ઉત્સવ સ્વરૂપોની સાથે અબીલ ગુલાલ અને રંગોથી હોળી રમશે. સાંજે 7 વાગ્યે સાયં આરતી અને 8 વાગ્યે હોલિકાદહન થશે.
સર્વે હરિભક્તોને ભાઈશ્રીના વરદ હસ્તે ખજૂર પતાસાની પ્રસાદીનું વિતરણ થશે. 10મી માર્ચે ધૂળેટીના દિવસે સવારે 8 વાગ્યે હરિ મંદિરમાં ધ્વજારોહણપૂજન થશે. સવારે 9 વાગ્યાથી બપોરે 12 સુધી ભાઈશ્રીની ઉપસ્થિતિ માં શ્રીહરિમંદિરમાં ફુલડોલ ઉત્સવ ઉજવવામાં આવશે અને બપોરે 12 વાગ્યે શ્રી હરિની ફૂલડોલ ઉત્સવની આરતી થશે. જેમાં ભક્તો પણ જોડાઈને હરિ સંગ હોળી ઉત્સવનો લાભ લેશે.