પોરબંદર/ સુરતઃગુજરાત ATSએ ISKPના આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે.ગુજરાત ATSની ટીમે પકડેલા શખ્સોનું આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન સાથે કનેક્શન હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં કુલ 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે એક વ્યક્તિ હજુ ફરાર છે. પકડાયેલા આરોપીઓમાંથી 3 કાશ્મીરના છે જ્યારે બે વ્યક્તિ સુરતની છે.
પૂછપરછમાં મોટા ખુલાસા:આ મામલે પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ઝુબેર અહેમદ મુનશી અને સુમેરાબાનું મોહમ્મદ હનીફ મલેક પણ ISKPના જ મોડ્યુલના સભ્યો છે, તેમજ અટકાયત કરવામાં આવેલા ત્રણેય વ્યક્તિઓ સાથે સંકળાયેલા છે. જેના આધારે ગુજરાતી એટીએસની ટીમે સુમેરાબાનું મલેકના ઘરે દરોડો પાડ્યો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમા ISKPના ઘણા રેડીકલ પ્રકાશનો જેમ કે વોઇસ ઓફ ખોરાસન વગેરે મળી આવ્યા હતા. સુમેરાબાનુ મલેકની વધુ પૂછપરછમાં તેણે ખુલાસો કર્યો હતો કે તે હેન્ડલર સાથે સંપર્કમાં હતી અને કાશ્મીરી વ્યક્તિ ઝુબેર અહેમદ મુનશી સાથે પણ નજીકના સંબંધમાં હતી. તેના રહેઠાણમાંથી કથિત રીતે ISKPના નેતા પ્રત્યે અને તેની વફાદારીની પ્રતિજ્ઞા લખેલી સામગ્રી પણ મળી આવી છે.
અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી: પોરબંદર ખાતે અટકાયતમાં લેવાયેલા ત્રણેય કાશ્મીરી યુવાનોના સામાન અને બેગની તપાસમાં અનેક અંગત ઓળખના દસ્તાવેજો, ડિજિટલ કોમ્યુનિકેશન ઉપકરણો જેમ કે મોબાઈલ ફોન ટેબલેટ અને છરી જેવા તિક્ષ્ણ હથિયારો પણ મળ્યા છે. તેમજ આરોપીઓના ક્લાઉડ સ્ટોરેજમાં એકાઉન્ટને એક્સેસ કરતા પોલીસને આ વ્યક્તિઓના ISKP ના બેનરો અને ધ્વજ સાથેના અમુક ફોટોગ્રાફ્સ અમીરુલમોમીનીન (કમાન્ડર ઓફ ધ ફેથફુલ ઓર લીડર)ની બાયા'હ (નિષ્ઠાના શપથ) આપતા ચાર કાશ્મીરી યુવાનોના વિડીયો તેમજ તેમના બાયા'હની ઓડિયો ક્લિપ્સ તેમાં તેઓએ ખોરાસનમાં હિજરત કરી છે તેવો ઉલ્લેખ કરતી ફાઈલો પણ મળી આવી છે.
શું હતો પ્લાન?: વધુમાં તેઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તેઓને તેમના હેન્ડલર અબુ હમઝા દ્વારા પોરબંદર પહોંચાડવાની સૂચના આપવામાં આવી હતી અને જ્યાંથી તેઓ મજૂર તરીકે કેટલીક ફિશિંગ બોટમાં નોકરી લેવાના હતા. આ બોટ અને તેના કપ્તાનનો ઉપયોગ કરીને તેઓને આપેલા પૂર્વ નિર્ધારિત જીપીએસ કોઓર્ડીનેટર સુધી પહોંચાડવાના હતા અને જ્યાં તેઓને ધો (DHOW) દ્વારા ઈરાન લઈ જવામાં આવનાર હતા. આ લોકોને પછી નકલી પાસપોર્ટ આપવાના હતા, જેનો ઉપયોગ કરીને તેઓ હેરાત થઈને ખોરાસાન પહોંચવાના હતા. ત્યારબાદ તેઓએ ઇસ્લામિક એમિરાત ઓફ અફઘાનિસ્તાનમાં ISKP વતી તેના આતંકવાદી કૃત્યમાં ભાગ લેવાનો હતો અને સહાદત હાંસલ કરવાની હતી. હેન્ડલર અને ISKP દ્વારા તેમની શહાદતને જાહેર કરવા માટે તેઓના પૂર્વ રેકોર્ડ કરેલા નિવેદનો ફોટોગ્રાફ વિડીયો અને દસ્તાવેજોનો ઉપયોગ કરવાનો હતો.