પોરબંદર: પોરબંદરના ભડ ગામમા આવેલી સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાનું ધોરણ-10ના 43 વિદ્યાર્થીઓમાંથી 42 વિદ્યાર્થીઓ પાસ થઇને શાળાનું 97.67 ટકા પરિણામ આવ્યુ છે.
98.15 પર્સનટાઇલ સાથે શાળામાં પ્રથમ આવનાર બારડ દિનેશે કહ્યું કે, વિદ્યાર્થીઓનું સારૂ પરિણામ આવે તે માટે શાળામાં શિક્ષકો પૂરતું માર્ગદર્શન આપે છે. વિજ્ઞાનના શિક્ષક ચેતન વિરાણી સર રવિવારના દિવસે પણ ભણાવતા પરિણામે મને સૌથી વધુ માર્કસ વિજ્ઞાનમાં આવ્યા છે. હું સરકારી શાળા કોલેજમાં રહીને સાયન્સમાં આગળ અભ્યાસ કરવા ઇચ્છુ છું.
દરજી કામ અને ખેતીકામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા નારણભાઇ બારડે કહ્યું કે, મારો પુત્ર દિનેશ શાળમાં પ્રથમ આવ્યો છે, તે અમારા માટે ખુબજ આનંદની વાત છે. વગર ટ્યુશને સરકારી શાળાના શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન તથા પોતાની મહેનતના કારણે દિનેશે શૈક્ષણિક કારકિર્દીનુ પ્રથમ પગથીયું પાર કર્યુ છે.