પોરબંદરઃ આગામી દિવસોમાં નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે માતાજીની આરાધના માટેના વિવિધ આકર્ષિત ગરબાનું પોરબંદરની બજારમાં વેચાણ શરૂ થઈ ગયું છે. નવરાત્રિનું પૂજન નવ દિવસ સુધી ચાલે છે. કેટલાક લોકો નવરાત્રિમાં વ્રત પણ કરે છે. ઘટસ્થાપન કરનારા આઠમ કે નોમને દિવસે કુમારીભોજન પણ કરાવે છે. આ ભોજનમાં 2થી 10 વર્ષની ઉમરની નવ કુમારિકાઓ હોય છે. આ કુમારીઓનાં કલ્પિત નામ પણ છે. જેમકે, કુમારિકા, ત્રિમુર્તિ, કલ્યાણી, રોહિણી, કાલી, ચંડિકા, શાંભવી, દુર્ગા અને સુભદ્રા. નવરાત્રિમાં નવ દુર્ગામાંથી નિત્ય ક્રમવાર એક-એક દુર્ગાનું દર્શન કરવાનું પણ વિધાન છે.
નવરાત્રિ દરમિયાન કેટલાક દુર્ગા માતાના ભક્તો ઉપવાસ અને પ્રાર્થના કરે છે. જેથી તેમના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિને દેવી તરફથી રક્ષણ મળતું રહે. આ સમય આત્મનિરિક્ષણ અને પવિત્રતાનો છે, કોઈ પણ નવું કાર્ય કરવા માટે પરંપરાગત રીતે નવરાત્રિનો આ સમય એક માંગલિક અને ધાર્મિક સમય છે.