ગુજરાત

gujarat

ETV Bharat / state

ખંભાળા ગામમાં વિનામૂલ્યે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કાર્યરત - Gujaratinews

પોરબંદર: સમગ્ર દેશમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કાર્યરત છે. જિલ્લામાં આવેલા ખંભાળામાં પણ વિનામુલ્યે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કાર્યરત છે.

ખંભાળા ગામમાં વિનામૂલ્યે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કાર્યરત

By

Published : Jul 3, 2019, 5:32 AM IST

પોરબંદર ગુજરાત સરકારનાં 100 ટકા ભંડોળથી મોડેલ-2 પ્રકારની હોસ્ટેલ કાર્યરત છે. આ હોસ્ટેલમાં ધો. 6થી 10 સુધીની બાલિકાઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે. કુદરતના ખોળે બરડા ડુંગરની ગોદમાં આવેલા રાણાવાવ તાલુકાના ખંભાળા ગામમાં કાર્યરત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં SC, ST, OBC અને લઘુમતિ સમાજની ધો. 6થી ધો.10 સુધીની 100 બાલિકાઓ રહે છે. તેઓને સરકાર દ્વારા વિનામૂલ્યે શિક્ષણ, રહેવા તેમજ જમવા સહિતની સુવિધા વિનામુલ્યે આપવામાં આવે છે.

હોસ્ટેલમાં સવારે નાસ્તો, બપોરે અને સાંજે જમવાનું આપવામાં આવે છે

પોરબંદર સર્વ શિક્ષણ અભિયાન ગર્લ્સ એજ્યુકેશન ઓફિસર વૈશાલી પટેલે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય વિશે જાણકારી આપતા જણાવ્યું કે, રાણાવાવ તાલુકાના ખંભાળા ગામમાં વર્ષ 2013-14થી આ હોસ્ટેલ કાર્યરત છે. આ હોસ્ટેલમાં ધો. 6થી 10ની બાલીકાઓને પ્રવેશ આપવામાં આવે છે. જેમાં જે ડ્રોપ આઉટ છે, જેના માતા-પિતામાંથી કોઇનું અવસાન થયું હોય અથવા અનાથ હોય, બાળકીઓનો પરિવાર સ્થળાંતરિત જીવન જીવતા હોય તો તેઓને પ્રવેશ આપવામાં આવે છે. પ્રવેશ મેળવેલી બાળકીઓને સરકાર દ્વારા વિનામૂલ્યે શિક્ષણ, જમવાનું, રહેવાનું, પહેરવાનાં કપડા, મેડીકલ સુવિધા તેમ બાળકીઓની તમામ જરૂરિયાત સરકાર પુરી પાડે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ખંભાળા ગામમાં આવેલી હોસ્ટેલનો વાર્ષિક ખર્ચ 44.2 લાખ રૂપિયા થાય છે જે સરકાર ઉઠાવે છે. બાળકીઓને શિક્ષણની સાથે રમત-ગમત, સાંસ્કૃતિક કાર્યક્રમ, ખાસ દિવસોની ઉજવણી, વિજ્ઞાન મેળા, શૈક્ષણિક પ્રવાસ કરાવવામાં આવે છે. શારિરીક રીતે નબળી બાળકીઓ પર વિશેષ કાળજી રાખવામાં આવે છે. હોસ્ટેલમાં દરરોજ નિયત મેનુ મુજબ સવારે નાસ્તો, બપોરે અને સાંજે જમવાનું આપવામાં આવે છે. તથા હોસ્ટેલમાં બાળકીઓ માટે દરરોજ 22 લીટર દુધ આવે છે.

પોરબંદરમાં 32 નેસ આવેલા છે. જેમાં ડ્રોપ આઉટ બાળકીઓનું પ્રમાણ સામાન્ય રીતે વધુ હોય છે. જેથી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનો સ્ટાફ જિલ્લાના નેસ વિસ્તારોમાં જઇને સર્વે કરે છે. તેમજ ડ્રોપ આઉટ થયેલી બાળકીઓનું શિક્ષણ બગડે નહીં તે માટે હોસ્ટેલમાં લાવવામાં આવે છે. જુદા-જુદા નેસની બાળકીઓ ધો. 5માં ભણીને ડ્રોપ આઉટ થઈ છે, એ વિશે જાણ થતા અમારી ટીમ છોકરીઓને હોસ્ટેલ લઇ આવ્યા અને આ પાંચેય બાળકીઓએ ધો.10 પાસ કરીને ધો. 11માં એડમિશન લીધું છે. દેવભુમિ દ્વારકાના જામખિરસરા ગામની વેસરા સોનલ ધો.7માં અભ્યાસ કરે છે. તેનો પરિવાર માલધારી હોવાથી જુદા-જુદા જિલ્લાઓમાં ફરવાનું રહે છે. જેથી સોનલને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમા પ્રવેશ મળ્યો અને તેનું શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. આમ, હાલ 100 બાલિકાઓ અહીં સંસ્કાર સાથેનું શિક્ષણ મેળવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details