પોરબંદર: એક યુવક સાથે છેતરપિંડી કરી જન્મ તારીખનો ખોટો દાખલો કઢાવવાના મામલે એક પોલીસ પુત્રી સામે અમદાવાદ (Fake Passport Case Ahmedabad)માં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. SRPના DySP એ.આર. ગોઢાણિયાની પુત્રીએ વિદેશ જવા માટે ગુનો આચર્યો હતો. આરોપીના પિતા DySP હોવાના કારણે જન્મ તારીખના 2 અલગ-અલગ દાખલા (Fake Birth certificate Rajkot) અને 2 અલગ-અલગ પાસપોર્ટના ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસ દ્વારા કાર્યવાહી થઇ રહી નથી તેવા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે. બોગસ જન્મ તારીખના દાખલા અને બોગસ પાસપોર્ટકાઢી આપવામાં મદદ કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવા પણ માંગ ઊઠી છે.
ખોટા જન્મ તારીખના દાખલા અને પાસપોર્ટ કરાવ્યા
અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશન (Ahmedabad Navrangpura Police Station)માં પાસપોર્ટ વિભાગના કર્મચારી પંકજ મિશ્રા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. પૂનમ ઓડેદરા નામની મહિલાએ નામ બદલાવીને ખોટા જન્મ તારીખના દાખલા અને પાસપોર્ટ કરાવ્યા છે. આ ગુનામાં પૂનમને મદદ કરનારા તમામ સામે કાર્યવાહી થાય તેવી માંગ પણ કરી છે. જો કે પૂનમ SRPમાં DySP તરીકે ફરજ બજાવતા અરભમભાઈ રાણાભાઈ ગોઢાણિયાની પુત્રી હોવાના કારણે એક વર્ષથી આ અંગે પોરબંદર પોલીસે ફરિયાદ નોંધી નહોતી તેમ કાનાભાઈ ઓડેદરાએ જણાવ્યું હતુ.
વિદેશમાં રહેતા યુવક સાથે થયા હતા લગ્ન
DySPની પુત્રીના લગ્ન વિદેશમાં વસવાટ કરતા મૂળ પોરબંદરના ભુપત ઓડેદરા સાથે થયા હતા. રાજકોટ SRP ગ્રુપમાં DySP (Rajkot SRP DySP) તરીકે ફરજ બજાવતા અરભમ ભાઈ રાણાભાઈની પુત્રી પૂનમના લગ્ન પોરબંદરના કાનાભાઈ માંડણ ભાઈ ઓડેદરાના પુત્ર ભુપત સાથે થયા હતા. ભુપત ઓડેદરા વિદેશમાં વસવાટ કરે છે. લગ્ન કરીને તેમની પત્ની પૂનમ પણ વિદેશ ગઈ હતી. ત્યાં પતિ-પત્ની વચ્ચે વાંધો પડતાં પૂનમના પિતા DySP હોવાના લીધે પોલીસ ખાતામાં પોતાની વગનો ઉપયોગ કરી પોરબંદરના કાનાભાઈ ઓડેદરા સહિતના ઘરમાં તમામ સભ્યો સામે અલગ-અલગ ફરિયાદ દાખલ કરાવી હતી. લગ્ન બાદ પૂનમ પોરબંદર ન આવી હોવા છતાં પોરબંદરમાં રહેતા તેના સસરા અને પરિવારના અન્ય સભ્યો સામે પણ 498-ક મુજબની ફરિયાદ દાખલ થઇ હતી.
આ પણ વાંચો:અમદાવાદમાં બોગસ પાસપોર્ટનાં કેસમાં 10 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો