ભારતમાં શનિદેવના મુખ્ય ત્રણ સ્થાનકો આવેલા છે. મહારાષ્ટ્રમાં શિંગણાપુર, રાજસ્થાનમાં કર્પાસન અને ગુજરાતમાં હાથલામાં છે. શિંગણાપુર અને કર્પાસનમાં આવેલા શનિદેવના સ્થાનકો 12મી સદીના હોવાનું મનાય છે. જ્યારે હાથલાનું સ્થાનક ૭મી સદીનું હોવાનું મનાય છે. આમ ત્રણેય સ્થાનકોમાં હાથલાનું સ્થાનક સૌથી પૌરાણિક શનિદેવના જન્મસ્થાન તરીકે પૂજાય છે. મુદગલ ઋષિની ભક્તિથી પ્રસન્ન થઇ શનિ મહારાજ હાથી પર બિરાજમાન થઇ જે જગ્યાએ પ્રગટ થયા તે સ્થળ એટલે હસ્તીન સ્થળ, પ્રાચીનકાળનું હસ્તીન સ્થળ, મધ્યકાળમાં હત્થીથલ અને અર્વાચીનકાળમાં હાથલા કે, જ્યાં શનિદેવ હાથી પર બિરાજમાન થઇને પ્રગટ થયા હતા તે આજનું હાથલા ગામ છે. પુરાતત્વ દ્વારા રક્ષીત સ્મારકમાં શનિદેવ હાથી પર બિરાજમાન હોય તેવી પ્રતિમા સાથે સાડા સાત અને અઢી વર્ષની પનોતીની પ્રતિમાઓ પણ આ મંદિરમાં આવેલી છે.
મંદિરની લાક્ષણિકતા છે કે, તે સ્મશાન ભૂમિમાં આવેલું છે, હાથલા ગામ જોવા જઇએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલું છે. પરંતુ શનિદેવના જન્મસ્થાને દર્શન કરવા જવા માટે મોટાભાગના ભાવિકો પોરબંદર થઇને હાથલા ગામે જાય છે. વષો જૂનું આ આ શનિદેવનું મંદિર શનિદેવના જન્મસ્થાન તરીકે પ્રખ્યાત છે. જો કે, આ મંદિરને છેલ્લા પંદર વર્ષમાં જ ખ્યાતિ મળી છે અને હવે તો રાજકીય આગેવાનો અને મંત્રી સહિતના VVIP પણ અહી દર્શનાર્થે આવે છે.
શનેશ્વરી અમાસ અને શનિ જયંતીના દિવસે અહીંયા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓની ભીડ ઉમટી પડે છે અને લાખો માણસો શનિદેવના દર્શનાર્થે આવે છે. શનિદેવના જન્મસ્થાને શનિદેવ ઉપરાંત તેમની બાજુમાં સાડા સાતી પનોતી અને અઢી વરસની પનોતી તેમ જ મંદિરની બહારની બાજુએ હનુમાનજીનું મંદિર અને નાગદેવતા અને ગણેશજીનું પણ સ્થાપન કરવામાં આવ્યું છે. ઉપરાંત શનિકુંડ પણ આવેલો છે. શનિદેવના જન્મસ્થાનોનું પુરાણોમાં ઉલ્લેખ પણ કર્યો હતો. તદ્ઉપરાંત મંદિરની બાજુમાં સ્મશાન, પીપળો અને નદી પણ આવેલા છે. પુરાણોમાં એવો પણ ઉલ્લેખ છે કે, રાજ દશરથે અહીં પનોતી ઉતારી હતી. આથી અહીં જે લોકોને પનોતી ચાલતી હોય તે શનિદેવના જન્મસ્થાને આવી અને શનિકુંડમાં સ્થાન કર્યા બાદ શનિદેવની પૂજા અર્ચના કરે તો પનોતી ઉતરે છે અને રાહત પણ મળે છે તેવી એક શાસ્ત્રોકત માન્યતા હિન્દુ ધર્મમાં છે.