પોરબંદરઃ પોરબંદરની મહારાણી રૂપાળીબા હોસ્પિટલ ખાતે દરરોજ સરેરાશ 7થી 8 જેટલી સગર્ભા મહિલાઓએ તંદુરસ્ત બાળકોને જન્મ આપે છે. કોરોના મહામારી વચ્ચે લોકડાઉન દરમિયાન પોરબંદર જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં 700થી વધુ બાળકોના જન્મ થયા છે. લોકડાઉનની સ્થિતિમાં પણ હોસ્પિટલ સ્ટાફે કોરોનાનું સંક્રમણ ન ફેલાઇ એ રીતે ઉત્તમ કાર્ય કર્યુ છે.
કોરોનાકાળ વચ્ચે પોરબંદરની સરકારી હોસ્પિટલોમાં 700 તદુરસ્ત બાળકો જન્મ્યા કોરોના મહામારી સમયે માતા અને બાળકની પુરતી કાળજી રાખતી સંવેદનશીલ સરકારનો આભાર વ્યક્ત કરતા કુતિયાણાનાં કોટડા ગામના મંજુબહેને કહ્યુ કે, મને પ્રસુતિની પીડા ઉપજતા પોરબંદર મહારાણી રૂપાળીબા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અહીં ડોક્ટર તથા નર્સ સ્ટાફે મારી પડખે રહીને સાંત્વના આપી હતી, ત્યારબાદ મેં તંદુરસ્ત દિકરીને જન્મ આપ્યો. દિકરીના જન્મબાદ અમે માં દિકરી બન્ને તંદુરસ્ત હોવાથી ગુજરાત સરકારની ખીલખિલાટ વાન અમને ઘર સુધી વિનામૂલ્યે પહોંચાડી જશે. મંજુબહેને કહ્યું કે, હું હોસ્પિટલની આ ઉત્તમ સેવાનો લાભ લેવા અન્ય સગર્ભા મહિલાઓને પણ જણાવીશ.
કોરોનાકાળ વચ્ચે પોરબંદરની સરકારી હોસ્પિટલોમાં 700 તદુરસ્ત બાળકો જન્મ્યા હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. દક્ષાબેન પરમારે કહ્યું કે, નોર્મલ ડિલેવરી હોય તો માતા અને બાળકને 48 કલાક રાખવામાં આવે છે. સિઝેરીયન ઓપરેશન હોય તો માતા-બાળકને 7 દિવસ સુધી સારવાર આપવામાં આવે છે. આ સમય દરમિયાન મહિલા તથા તેમનાં એક સગા સબંધીને સરકાર દ્રારા જમવાની સુવિધા તથા ખીલખિલાટ વાન મારફત સુરક્ષીત ઘરે પહોંચાડવામાં આવે છે. જન્મ સમયે જે બાળકનો વજન 2.5 કિલોથી ઓછો હોય તેવા બાળકને કાંગારૂ મધર કેર અંતર્ગત જરૂરી સારવાર આપવામાં આવે છે.
વોર્મર મશીન દ્રારા બાળકનું તાપમાન જાળવી રાખવામાં આવે છે. CPAP મશીન દ્રારા બાળકને ઓક્સિઝનમાં રાખવામાં આવે છે. બાળકને કમળો હોય તો ફોટોથેરાપી યુનિટમાં રાખવામાં આવે છે. આમ કોરોના મહામારી વચ્ચે પણ મહારાણી રૂપાળીબા હોસ્પિટલના સ્ટાફ દ્રારા સરકારનાં નિયમો તથા સુચનાઓના પાલન સાથે કોરોનાનું સંક્રમણ ન ફેલાઇ તે રીતે પુરતી કાળજી રાખીને માતાઓ તથા નવજાત શીશુને સારવાર અને સેવા પુરી પાડવામાં આવે છે.