પોરબંદરના રાણાવાવમાં આવેલ દાસારામ એપાર્ટમેન્ટ રૂમ નંબર 203માં છેલ્લા ત્રણ મહિનાથી પરપ્રાંતિય કાલભૈરવ મસાણી જ્યોતિષના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતો હતો. જેમાં, દુઃખી લોકો પાસેથી વિધિના નામે 500 રૂપિયાથી 31 હજાર રૂપિયા પડાવતો હતો.
રાણાવાવમાં ઢોંગી જ્યોતિષનો પર્દાફાશ, દેવુ ચૂકવવા બન્યો જ્યોતિષ
પોરબંદર: શહેરના રાણાવાવ ગામમાં બુધવારે વિજ્ઞાન જાથા(અંધશ્રદ્ધા વિરોધી ચળવળ માટેની સંસ્થા)એ એક ઢોંગીનો પર્દાફાશ કર્યો છે. આ ઢોંગી રાજસ્થાનનો વતની છે અને પોતાને કાલભૈરવ મસાણીયા જ્યોતિષ તરીકે ઓળખાવતો હતો. ઢોંગીએ છપાવેલી પત્રીકાઓમાં દાવો કર્યો હતો કે, તે શત્રુનાશ, વિદેશ ભ્રમણ, ઘરકંકાસ, કોઈનું કરેલું, દુકાન મકાન ફેક્ટરીનું કરેલું, દુઃખી પતિ-પત્ની, લોટરી, વશીકરણ સહિત કોઈપણ સમસ્યાનો ઉકેલ ધરાવે છે. બુધવારે વિજ્ઞાન જાથાએ ઢોંગીનો પર્દાફાશ કર્યો અને પોલીસને હવાલે કરી દીધો હતો.
પંથકના અનેક લોકો ઢોંગી જ્યોતિષ પાસેથી છેતરાયા હોવાનું અવાર-નવાર બહાર આવતું હોય છે. એવામાં બુધવારે એક જાગૃત નાગરિકે છટકું ગોઠવ્યું હતું અને તેના નિવારણ માટે આ ઢોંગી જ્યોતિષે 21000 રૂપિયા થશે તેમ જણાવ્યું હતું. અને અંતે સાડા છ હજારમાં વિધિ કરવામાં માટે ઢોંગી તૈયાર થયો હતો. ચાલુ વિધિ દરમિયાન વિજ્ઞાનજાથાની ટીમ, રાણાવાવ પોલીસ, અને મીડિયા સામે તેનો પર્દાફાશ થયો હતો.
રાજસ્થાનના ઢોંગી જ્યોતિષ દિલીપ જોષીએ જણાવ્યું હતું કે, તેના પર 8 લાખનું દેવું છે અને માટે આ ધંધો શરૂ કર્યો હતો. પાંચ ચોપડી પાસ આ જ્યોતિષ લાખોની કમાણી કરતો હતો. પરંતુ, બીજાના દુઃખ દૂર કરવાના ગોરખ ધંધા શરૂ કરનાર બુધવારે પોતે જ સંકટમાં ફસાયો છે. વિજ્ઞાન જાથાના જયંત પંડયાએ વિનંતી કરી હતી કે, ગુજરાતમાં અનેક પરપ્રાંતિય પત્રિકાઓ છપાવે છે અને જ્યોતિષના નામે અનેક લોકોને લૂંટે છે. માટે લોકો જાગૃત થાય અને આવા ઢોંગી જ્યોતિષમાં ન પડે.