પોરબંદરની ફીશ માર્કેટમાં ટ્રાન્સપરન્ટ શેડ બનાવવાનું કામ વહેલી તકે શરૂ કરવાની માંગ - ફિશ માર્કેટમાં ટ્રાન્સપરન્ટ શેડ
પોરબંદર: જિલ્લાની ફીશ માર્કેટમાં ટ્રાન્સપરન્ટ શેડ બનાવવાના કામ માટે બે વર્ષ પહેલા ટેન્ડરીંગ થઇ ગયું હોવા છતાં તે અંગે કોઈ કામગીરી ચાલુ થઇ ન હતી. જેથી હાલ અહીં વેપાર કરતા વેપારીઓની સ્થિતિ કફોડી બની છે. ઉનાળામાં તડકા અને ચોમાસામાં વરસાદ દરમિયાન તો અહીં ભારે હાલાકી પડે છે. આથી આ મુદ્દે પોરબંદર બોટ એસોસિએશનના ઉપપ્રમુખે પાલિકાના ચીફ ઓફિસરને આ અંગે રજૂઆત કરી હતી.
પોરબંદર બોટ એસોસિએશનના ઉપપ્રમુખ વિશાલ મઢવીએ જણાવ્યું છે કે, પોરબંદરના જુના બંદર રોડ પાસે ફિશ માર્કેટમાં ટ્રાન્સપરન્ટ શેડ બનાવવા માટેનું ટેન્ડર 24 ઓક્ટોબર 2017થી પાલિકા મારફત જાહેર કરાયું હતું. પરંતુ તે ટેન્ડરને બે વર્ષ જેટલો સમય થઈ ગયો છે. છતાં આજદિન સુધી તે કાર્ય પૂર્ણ થયું નથી. આથી તે કામનું રી-ટેન્ડરીંગ વહેલામાં વહેલી તકે કરાવવા કહ્યું હતું. વધુમાં જણાવ્યું છે કે, આ ફિશ માર્કેટમાં અસંખ્ય ભાઈઓ,બહેનો નાના પાયે છુટક ફિશનો વેપાર આખા વર્ષ દરમિયાન કરે છે અને તેને તમામ રૂતુમાં શિયાળો, ઉનાળો અને ચોમાસામાં ફિશ માર્કેટ ખુલ્લી હોવાને કારણે અસંખ્ય રૂતુગત તકલીફનો સામનો કરવો પડે છે. તેમજ ફિશે ખાદ્ય પદાર્થ હોવાથી તેમાં પણ ખુલ્લામાં રહેવાને હિસાબે ઋતુગત બિમારી અને બેકટેરીયાનો પુરો ખતરો થઈ શકે છે. જે આરોગ્યની બાબતે પણ લોકોના સ્વાસ્થ્ય માટે ખતરા રૂપ બની શકે છે. આથી ફિશ માર્કેટનું રી-ટેન્ડરીંગ વહેલામાં વહેલી તકે કરાવી અને કાર્ય પૂર્ણ કરવા રજૂઆત કરી છે.