- કોંગ્રેસ સમિતિ દ્વારા ક્ષાર અંકુશ વિભાગના ઇજનેરને આવેદનપત્ર
- રસ્તાનું નવીનીકરણ કરવાની માગ
- ક્ષાર અંકુશ વિભાગ દ્વારા 20 દિવસમાં રસ્તાની કામગીરી કરવામાં આવશે
પોરબંદરઃ પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તાર પાસેથી ખોડીયાર મંદિર થઈને માર્કેટિંગ યાર્ડ તરફ વર્ષો પહેલા કોઝવે કમ ચેકડેમ બનેલો હતો. જેના પરનો રસ્તો બિસ્માર હાલતમાં ફેરવાઈ જતાં પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ક્ષાર અંકુશ વિભાગના ઇજનેરને આવેદનપત્ર પાઠવી રસ્તાનું નવિનીકરણ કરવા રજૂઆત કરવામાં આવી હતી.
રસ્તાનું નવીનીકરણ કરવા પોરબંદર કોંગ્રેસ સમિતિની માગ લોકો બને છે અકસ્માતનો ભોગ
કડિયા પ્લોટથી માર્કેટિંગ યાર્ડ તરફ જતો રસ્તો અનેક લોકોને ઉપયોગી છે. જેમાં પોરબંદર શહેરના માર્કેટિંગ યાર્ડ મંદિર અને ગાયત્રી મંદિર તેમજ ખાપટ વિસ્તારના લોકો આવવા જવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે. હજારોની સંખ્યામાં અહીંથી લોકો પસાર થતા હોય છે. તેવા સમયે વરસાદના કારણે પાણીના પ્રવાહથી રસ્તાની હાલત એટલી હદે ખરાબ થઈ ગઈ છે. જેના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.
શું કહે છે ક્ષાર અંકુશ વિભાગના આધિકારી !
આ બાબતે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરાએ ક્ષાર અંકુશ વિભાગમાં રજૂઆત કરી હતી અને વહેલી તકે આ રસ્તો રીપેરીંગ કરવા જણાવ્યું હતું. જેના જવાબમાં ક્ષાર અંકુશ વિભાગના અધિકારી બી. કે. વાલગોતરે જણાવ્યું હતું કે, લોકોની મુશ્કેલીને ધ્યાને લઇ આગામી 20 દિવસમાં આ રસ્તાની કામચલાઉ રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવશે.