માછીમારની જાળ બની મોતનો સકંજો પોરબંદર :અસ્માવતી રિવરફ્રન્ટ પાસે આવેલ કર્લી જળાશયમાં જાળમાં ફસાયેલ એક મહાકાય અજગરનો મૃતદેહ મળી આવ્યો હતો. શહેરના પક્ષીપ્રેમી દર્શન ગોસ્વામીએ અજગરના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. માછલી પકડવાની જાળમાં ફસાઈ જવાથી 3-4 દિવસ પૂર્વે અજગરનું મોત નીપજ્યું હોવાનું અનુમાન છે.
કર્લી જળાશયમાં અજગરનો મૃતદેહ : પોરબંદરના કર્લી જળાશય પાસેથી પસાર થતા પક્ષીપ્રેમી દર્શન ગોસ્વામીએ પાણીની અંદર માછલી પકડવાની જાળમાં અજગરનો મૃતદેહ ફસાયેલ જોયો હતો. અજગરનું શરીર ફૂલી ગયું હોવાથી પ્રથમ નજરે અજગર મૃત હોવાથી જાણ થઈ હતી. દર્શનભાઈએ મહામુસીબતે જાળ સમેત અજગરના મૃતદેહને જળાશયમાંથી બહાર કાઢ્યો હતો.
જાળમાં ફસાયો અજગર : જાળમાં ફસાયેલા આ અજગરના મૃતદેહની લંબાઈ 8 ફૂટ જેટલી હતી. પક્ષીપ્રેમી દર્શન ગોસ્વામીનું અનુમાન છે કે, શિકાર કરવા ગયેલો અજગર જાળમાં ફસાઈ ગયો હશે. બાદમાં પાણીમાં ડૂબી રહેવાથી ફસાયેલી હાલતમાં જ અજગરનું બે-ત્રણ દિવસ અગાઉ મોત નીપજ્યું હશે. ઉલ્લેખનિય છે કે, અજગરનો મૃતદેહ ફૂલીને જળ સપાટી પર આવી ગયો હતો.
મોતની જાળ : કર્લી જળાશયમાં અનેક પક્ષીઓ અને જળચર વસવાટ કરતા હોવાથી આ વિસ્તારમાં અનેકવાર માછીમારો દ્વારા પાથરેલી જાળમાં પક્ષીઓ અને જળચર પ્રાણીઓ ફસાઈને મોતને ભેટતા હોય છે. આથી પક્ષીપ્રેમી દર્શન ગોસ્વામીએ આ વિસ્તારમાં માછીમારી ન કરવા અને માછીમારી પ્રવૃત્તિ કરતા લોકો પર કડક કાર્યવાહી કરવા તંત્રને અપીલ કરી હતી.
યાયાવર પક્ષીઓની પસંદ,પોરબંદર : ઉલ્લેખનીય છે કે, પોરબંદર જિલ્લાનો વિસ્તાર યાયાવર પક્ષીઓ માટે સાનુકૂળ સ્થળ છે. અહીં શિયાળાની ઋતુમાં અનેક યાયાવર પક્ષીઓ આવે છે. ઉપરાંત અહીંનું વાતાવરણ અનુકૂળ હોવાથી તેઓ લાંબા સમય સુધી રહે છે.
- પોરબંદરમાં કમોસમી કેસર કેરીનો રેકોર્ડ બ્રેક ભાવ 1551 રુપિયા, એક જ દિવસમાં ભાવ ડબલ
- પોરબંદરમાં દીપડાએ ફરી દેખા દીધી, RGT કોલેજ વિસ્તારમાં તરસ છીપાવતો દીપડો કેમેરામાં કેદ થયો