પોરબંદર : રાતોરાત દરિયામાં બિપરજોય વાવાઝોડાએ પોતાની દિશા બદલી દેતા ઉત્તર પશ્ચિમની જગ્યાએ ઉત્તર પૂર્વીય કિનારો પકડી લેતા જોખમ વધી ગયું છે. જેના કારણે ગુજરાત હવામાન વિભાગ એલર્ટ મોડ પર એક્ટિવ થઈ ગયું છે. સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ આસપાસના જિલ્લાઓમાં 100થી વધુ કિમીની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. બિપરજોયની આગળ વધવાની ગતિ વધી રહી છે. બપોરે પોરબંદરથી 600 કિમી દૂર હોવાના રિપોર્ટ મળ્યા હતા. જે 500 કિમીના અંતર સુધી આવી શકે છે. તારીખ 15 જૂન સુધી માછીમારોને માછીમારી ન કરવા માટે આદેશ દેવામાં આવ્યા છે, ત્યારે પોરબંદરમાં સાવચેતી રાખવા તંત્ર સહીત પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા એ અપીલ કરી છે.
કંટ્રોલ રૂમનંબરના સંપર્કમાં રહેવું :અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા સંદર્ભે હાલ દરિયામાં કરંટ હોય પોરબંદરના તંત્ર દ્વારા ચોપાટી પર લોકોને ન જવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ અને તંત્ર દ્વારા લોકો ચોપાટી પર ન જાય તે માટે જરૂરી કાર્યવાહી કરી બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લામાં તમામ ગામડામાં વિસ્તારોમાં લોકોને પોલીસ વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી હતી. 297 જેટલા સેન્ટર હોમ હાલ એક્ટિવ કરવામાં આવ્યો છે, જો સ્થળાંતરનો પ્રશ્ન ઉદભવે તો સલામત આશ્રયસ્થાન જેવા કે શાળાઓ, સમાજવાડીઓ, કોમ્યુનિટી હોલ વગેરે ખાતે આશ્રય લેવો તેમજ જિલ્લા કંટ્રોલ રૂમનંબર 0286-2220800,801 સાથે સંપર્કમાં રહેવાનું યાદીમાં જણાવ્યું છે.