પોરબંદર:પોરબંદર જિલ્લામાં વાવાઝોડાની કારણે ભારે પવન અને વરસાદ ફુંકાયો હતો. જેના લીધે અનેક વિસ્તારોમાં મહાકાય ઝાડ તથા વીજપોલ પડવાની ઘટનાઓ બની હતી. પોરબંદર જિલ્લામાં કુલ 117 વૃક્ષ ધરાશાયી થયા હતા. રસ્તા પર ટ્રાફિકજામ ન થાય તે માટે તાત્કાલિક ક્વીક રિસ્પોન્સ ટીમ બનાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડ ટીમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે જઈ ક્વીક રિસ્પોન્સ આપી ઇલેક્ટ્રોનિક કટર વડે ધરાશાયી થયેલ વૃક્ષને કાપી નાખવામાં આવતા તુરંત જ કાટમાળ હટાવી દેવામાં આવતા ટ્રાફિક જામની કોઈ ઘટના બની ન હતી.
વીજ પુરવઠો ખોરવાયો: અત્યાર સુધીમાં પોરબંદરમાં વાવાઝોડાના કારણે ભારે પવન અને વરસાદના લીધે 342 જેટલા વીજપોલને નુકસાન થયું હતું. જેમાંથી 75 જેટલા વીજપોલનું ફરીથી રિસ્ટોરેશન કરવામાં આવ્યું છે. ત્યારે પોરબંદર જિલ્લાના મોટાભાગના ગામડાઓ તથા શહેરી વિસ્તારમાં વીજળી ગુલ થઈ જતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને મોબાઈલમાં બેટરી ન હોવાથી જનસંપર્કો તૂટી ગયા છે.
નુકસાનીનો સર્વે: પોરબંદરના જિલ્લા કલેકટર કેડી લાખાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની મળતી માહિતી મુજબ વાવાઝોડાની અસર પહેલા અને અસર બાદ જે પ્રમાણે સૂચના આવતી જતી હતી તે પ્રમાણે લોકો સુધી વહીવટી તંત્રએ પહોંચાડી છે અને સામાજિક સંસ્થાઓ તથા મીડિયા કર્મીઓ તથા લોકોનો સહકાર મળી રહ્યો છે ત્યારે પોરબંદર જિલ્લામાં શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડાના કારણે નુકસાન થયું હોય છે તેના સર્વે માટે પોરબંદર જિલ્લા પંચાયતની 21 ટીમ અને નગરપાલિકાની છ ટીમ નીકળશે. અને રાજ્ય સરકારની સૂચના મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.