પોરબંદરઃ પશ્ચિમ બંગાળના પુર્વ મુખ્યપ્રધાન ડૉ.બી.સી રોયની યાદમાં દર વર્ષે 1લી જુલાઇને ડૉક્ટર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અત્યારે ડો.બી.સી.રોય તો હાલ હયાત નથી. પણ ભારતનાં અસંખ્ય ડોકટર્સ ડો.બી.સી. રોયને આદર્શ માનીને મરીઝોના ઇલાઝ માટે તન તોડ મહેનત કરે છે. હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યુ છે. આ મહામારીના અંધકારને દુર કરવા અસંખ્ય ડોકટર્સ યોદ્ધા બનીને દિન રાત સેવા કરી રહ્યા છે. આવા જ બે ડોકટર્સ દંપતિ જે પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં પણ ફરજ બજાવે છે.
ડૉક્ટર્સ ડે સ્પેશિયલઃ 95 દિવસથી પરિવારથી અલગ રહી કોરોના વોરિયર્સ તરીકે સેવા આપી રહ્યું છે તબીબ દંપતિ - ડોક્ટર્સ ડે સ્પેશિયલ
ભારતમાં દર વર્ષે તારીખ 1 જુલાઇને ડૉક્ટર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં તમામ ડૉક્ટર્સ કોરોના વોરિયરર્સ બનીને દર્દીઓની 24 કલાક સારવાર આપી રહ્યા છે, ત્યારે આ હોસ્પિટલના બે તબીબી દંપતિ પણ સેવાના આ ઉમદા કાર્યમાં જોડાઇને પોરબંદર સહિત ભારત કોરોના મુક્ત બને તે માટે સેવા આપી રહ્યા છે.
છેલ્લા 15 વર્ષથી દર્દીઓની સારવાર કરતા ડો.દેવેન્દ્ર સોજીત્રા અને તેમના પત્નિ ડો.લિઝા ધામેલીયા કોરોના વોરિયર્સ બન્યા છે. પોતાના વૃધ્ધ માતા પિતા અને 11 વર્ષના પુત્રને છેલ્લા 95 દિવસથી દૂર રહીને પોરબંદરના અંદાજે 19 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરીને આત્મ સંતોષ અનુભવતા ડો.સોજીત્રા કહે છે કે, એક ડોકટર માટે સૌથી મહત્વનુ મરીઝનો ઇલાજ કરવાનો હોય છે. દેશ અત્યારે મહામારીનો સામનો કરી રહ્યો છે, ત્યારે આપણે સૌએ સાથે મળીને આ સમસ્યાથી છૂટકારો મેળવવાનો છે. ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં લેબ અને બ્લડ બેંકના હેડ તરીકે ફરજ બજાવતા ડો.લિઝા કહે છે કે, દેશ અત્યારે કપરા સમયમાંથી પસાર થઇ રહ્યો છે. ત્યારે અન્ય ડૉક્ટર્સની જેમ અમે પણ દર્દીઓની સારવાર કરીને દેશને કોરોના મુક્ત કરવાના અભિયાનમાં જોડાયા છે. આ ડોકટર દંપતિ દર્દીઓને દર્દ મુક્ત બને તે માટે ખુબ જ ઉત્સાહથી હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે.
અન્ય એક દંપતિ ડો.દક્ષા પરમાર અને ડો.દિનેશ મકવાણા છેલ્લા સાડા ત્રણ વર્ષથી ફરજ બજાવે છે. લેડી હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓની તપાસ, બાળ રોગ નિષ્ણાંત તરીકે ફરજ બજાવતા ડો.દક્ષાએ ડૉક્ટર દિવસ નિમિતે લોકોને અનુરોધ કર્યો કે, સરકારની સુચનાઓનું ચુસ્ત પાલન કરી કોરોનાને હરાવવા આપણે સૌએ યોદ્ધા બનવું જરૂરી છે. પોતાના સાથી ડોકટર્સ સાથે કોરોના વોર્ડમાં ફરજ બજાવતા ડો.મકવાણાએ કહ્યુ કે, હોસ્પિટલે સારવાર માટે આવતા દર્દીઓ દર્દ મુક્ત બની સંપૂર્ણ સ્વસ્થ થાય તે માટે ડોકટર્સ તનતોડ મહેનત કરતા હોય છે. કોરોના મહામારીના સમયે અમે પતિ-પત્નિ દેશસેવાના આ કાર્યમાં જોડાઇને ગૌરવ અનુભવીએ છીએ.