વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યની શાળાઓમાં ગાંધીજીવનના નૈતિક મૂલ્યો સાથે પર્યાવરણનો સમન્વય કરવામાં આવશે. તેમજ પ્રાથમિક શાળાઓમાં પર્યાવરણ લેબ શરૂ કરાશે. જેથી પર્યાવરણ જાળવણી એ વિદ્યાર્થીઓમાં સંસ્કાર બની ઉભરી આવે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, એક બાળક એક વૃક્ષ મુજબ સમગ્ર રાજ્યમાં પર્યાવરણની જાળવણી માટે 150 લાખ વૃક્ષોનુ વાવેતર સંપન્ન કરાયુ છે.
પૂ.ગાંધી બાપુને ભાવવંદના કરી શ્રધ્ધાંજલી અર્પી મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતુ કે, 'બાપુના સત્ય અહિંસા અને અપરિગ્રહના વિચારોથી આગળ વધી સ્વચ્છતા સાથે સ્વચ્છાગ્રહી બનીએ એ જ રાષ્ટ્રપિતા પૂ.ગાંધીબાપુને સાચી શ્રધ્ધાંજલી છે. ગાંધી ચિધ્યો રાહ તેમના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તૃત છે. ગાંધી ચિંધ્યો રાહ શાંતીનો રોડ મેપ છે. પ્લાસ્ટિક પર્યાવરણનું દુશ્મન છે, તેનો નિષેધ અને અમલ કરવો એ આપણી સૌની જવાબદારી છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક નિષેધથી પ્રકૃતિ સાથે પર્યાવરણનું અને સમગ્ર સૃષ્ટિનું આપણે રક્ષણ કરી શકીશુ. સાથે સાથે સ્થાયી વિકાસને પણ પ્રસ્થાપીત કરવામાં વિશેષ મદદ મળશે'ગાંધીજી આજે પણ આપણી વચ્ચે છે. તેમના જીવન સાથે સંકળાયેલા તમામ સ્થળો સાબરમતી આશ્રમ, રાજકોટની તેમના અભ્યાસની શાળા, દાંડીયાત્રા અને કીર્તિમંદિરને જોડીને ગાંધી સર્કીટના નિર્માણનો આપણે ભગીરથ પ્રયાસ કર્યો છે. જેનાથી સમગ્ર વિશ્વને આપણે ગાંધીજીના નૈતિક મૂલ્યો તેમનો જીવન સંદેશ આપી શકીએ. મુખ્યપ્રધાને ગાંધીજન્મ સ્થળ કીર્તિમંદિર ખાતે જ્યાં ગાંધીજીનો જન્મ થયો હતો તે કક્ષની મુલાકાત લઇ બાદમાં મહાત્મા ગાંધી અને કસ્તુરબાના તૈલચિત્રને પુષ્પો અર્પણ કર્યા હતા.