- મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીના જન્મસ્થળની લીધી મુલાકાત
- મુખ્યપ્રધાન કીર્તિમંદિર ખાતે સર્વ ધર્મ પ્રાર્થના સભામાં સહભાગી થયા
- ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિ મંદિરની વેબસાઈટ અને 'મોહન સે મોહન' પુસ્તકનું વિમોચન કરાયું
પોરબંદર :મહાત્મા ગાંધીની જન્મ જયંતી(Mahatra Gandhi Jayanti) પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)ગાંધી જન્મભૂમિ પોરબંદર ખાતે મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિ મંદિર (Porbandar kirti Mandir)ખાતે સર્વ ધર્મ પ્રાર્થના સભામાં સહભાગી થઈ વિશ્વ વિભૂતિ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત, મુખ્ય પ્રધાને કીર્તિમંદિરમાં ગાંધી સ્મૃતિ ઘર, ચરખા પોઇન્ટની પણ મુલાકાત લીધી હતી.
'સ્વચ્છતા ત્યાં પ્રભુતા'નો ગાંધીજીનો મંત્ર
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધી વંદના કરતા કહ્યું કે, સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો ગાંધીજીનો મંત્ર દેશ ભરમાં સાકાર કરી ક્લિન ઇન્ડીયા મૂવમેન્ટ અને સ્વચ્છ ભારત 2.0 તેમજ અમૃત મિશન 2.0 નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે પ્રારંભ કરાવ્યો છે. અમૃત મિશન ૨.૦ અને સ્વચ્છ ભારત મિશન-૨ નો જે શુભારંભ થયો છે, તેમાં સ્વચ્છતા અને જળશક્તિના કામો - સાતત્યપૂર્ણ વિકાસ થકી ગુજરાત અગ્રેસર રહીને ગાંધીના ગુજરાતને નવી ઊંચાઈ સિદ્ધ કરાવશે.
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા
આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કરતા કહ્યું હતું કે, ગાંધીજીના જીવનમાંથી આપણને પ્રેરણા મળે છે. પ્રાર્થના સભામાં ઉપસ્થિત ભાગવતાચાર્ય રમેશ ઓઝાએ જણાવ્યું હતું કે, સત્યાગ્રહ એટલે હડતાલ નહીં, પરંતુ સત્યનો સાચા અર્થમા આગ્રહ, અને મન વચન કર્મ ભાવથી કઈ રીતે ઈશ્વર સ્વરૂપ સત્યને આત્મસાત કરી શકાય તેની પ્રેરણા આપણને ગાંધીજીમાંથી મળે છે.