- પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા PM નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી
- અલગ-અલગ 9 કાર્યક્રમો દ્વારા PMનો 71મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો
- વિનામૂલ્યે LPG ગેસ કનેક્શન વિતરણ, સફાઈ અભિયાન જેવા કાર્યક્રમો યોજાયા
પોરબંદર: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આજે 71માં જન્મદિવસે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા વિવિધ 9 કાર્યક્રમોનું આયોજન કરી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી છે.
સફાઈ, ફ્રૂટ વિતરણ સહિતના કાર્યક્રમ યોજાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ 9 કાર્યક્રમમાં સહાય વિતરણ, ફ્રૂટ વિતરણ, લાયન્સ હોસ્પિટલમાં મેડિકલ કેમ્પ તથા બિરલા હોલ ખાતે પ્રધાનમંત્રી ઉજવલ્લા યોજના 2.0 અંતર્ગત વિનામૂલ્યે LPG ગેસ કનેક્શન વિતરણ, સ્વચ્છ ભારત મિશન ફેસ 2, બાલ સહાય યોજના, કોવિડના કારણે જે બાળકોએ માતા-પિતા ગુમાવેલ હોય તેમને સહાય તથા 100% વેક્સિનેશન થયેલા ગામના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાંઘાવાવમાં શ્રમજીવીઓને શ્રમજીવી કાર્ડનું વિતરણ તથા ખમભળા ગામે દીકરીઓને નાસ્તા તથા મીઠાઈનું વિતરણ તથા સાંજે પ્રજ્ઞાચકસુ ગુરુકુળ ખાતે બ્રેઇલ લિપિમાં વડાપ્રધાન મોદી પર નિબંધ સ્પર્ધામાં વિજેતાઓને ઇનામ વિતરણ અને ભોજન કરાવાશે. ઓસીનિક હોટલ સામેના ગ્રાઉન્ડમાં સાંજે 7 કલાકે શ્રીરામ ભગવાનની આરતીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
વિનામૂલ્યે LPG ગેસ કનેક્શન વિતરણ
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિત્તે 'ગરીબોની બેલી સરકાર' કાર્યક્રમ અંર્તર્ગત પોરબંદર બિરલા હોલ ખાતે ઉધોગ, વન અને પર્યાવરણ રાજ્ય પ્રધાન જગદીભાઇ પંચાલના અધ્યક્ષસ્થાને લાભાર્થીઓને સહાય વિતરણ તથા સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત લાભાર્થી પરિવારોને પ્રધાનનમંત્રી ઉજ્જવલા યોજના-2 અંતર્ગત વિનામૂલ્યે LPG ગેસ કનેક્શન વિતરણ, સ્વચ્છ ભારત મિશન- ફેઝ-2, મુખ્યમંત્રી બાલ સહાય યોજના હેઠળ લાભાર્થીઓને સહાય વિતરણ તથા 100 ટકા વેકસિનેશન પૂર્ણ કરાવનાર ગામોના સરપંચોનું સન્માન કરાયુ હતું.