પોરબંદરઃ જિલ્લામાં બાંગ્લાદેશના રાષ્ટ્રીય પક્ષી મેગપી રોબીને રહેણાંક મકાનમાં આવી માળો કરતા પક્ષી પ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હાલ વિશ્વભરમાં કોરોનાની મહામારી તેમજ કાળઝાળ ગરમીથી લોકો ઉપરાંત પક્ષીઓ ત્રસ્ત થઇ ગયા છે. ત્યારો પક્ષી માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનેક જાતના સેવા કાર્યો થઇ રહ્યાં છે. જનકપુરી સોસાયટીમાં શુભમ ભાઈ ઠાકર દ્વારા અવારનવાર ચકલીના માળા, પાણીના કુંડા વગેરેનું વિતરણ કરવામાં આવતું હોય છે. શુભમ ભાઈએ ઘરે માળા અને કુંડા રાખ્યા હતા જેમાં ચકલીના માળામાં બાંગ્લાદેશનું રાષ્ટ્રીય પક્ષી મેગપી રોબીને માળો કર્યો છે.
શુભમભાઈ ઠાકરે આ નવા પક્ષી વિશે જાણકારી મેળવવા માટે બડૅ કન્ઝરવેશન સોસાયટીના પ્રમુખ ભરતભાઈ રૂઘાણીને જાણ કરતા તેઓએ જાત નિરીક્ષણ કરી પક્ષીની જાણકારી આપતા જણાવ્યું કે, આ મેગપીરોબીન નામનું વિદેશી પક્ષી છે. આ પક્ષી ખાસ કરીને તેમના ગીતો માટે જાણીતા છે. ઓરિએન્ટલ મેગપીરોબીન બાંગ્લાદેશનું રાષ્ટ્રીય પક્ષી છે તે ભારતમાં માર્ચથી જુલાઈ સુધી જોવા મળે છે, તે ઝાડના પોલાણમાં અથવા મકાનની દીવાલમાં વિશિષ્ટ માળખામાં માળો કરે છે તેમજ ચાર-પાંચ ઈંડા મૂકે છે.