પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદર જિલ્લામાં પશુ વસ્તી ગણતરી 2012ના આંકડા મુજબ 2,73,834 પશુઓ છે. જેમાં વધારો પણ થઈ શકે કારણ કે, 2019ની પશુ વસ્તી ગણતરી હાલ ચાલી રહી છે. જિલ્લા પંચાયત હેઠળ પોરબંદર જીલ્લામાં પશુઓને યોગ્ય સારવાર મળી રહે તે હેતુસર 7 પશુ સારવાર કેન્દ્ર અને 11 પશુ દવાખાના છે. પોરબંદર શહેરમાં કમલાબાગ પાસે આવેલા પશુ દવાખાનામાં એક મહિનામાં આશરે 60 જેટલા પશુઓને સારવાર આપવામાં આવે છે. તો પશુઓમાં મોટા ભાગે ગળ છુંદો નામનો રોગ દેખાય છે. આ ઉપરાંત ડાયજેસ્ટિવ ડીસ ઓડર, હાઇપો કેલસિમિયા એપિમેરલ ફીવર જેવી બીમારી થતી હોય છે જેની સારવાર આપવામાં આવે છે.
આ ઉપરાંત 2008થી રાજ્ય પશુપાલન વિભાગ દ્વારા પોરબંદરના ખાપટ વિસ્તારમાં વિવિધ લક્ષી પશુ દવાખાનું શરૂ કરાયું છે. જેમાં આધુનિક ટેકનોલોજી અને વિવિધ સુવિધાઓથી પશુઓને સારવાર આપવામાં આવે છે. બ્લડ ગ્લુકોમિટર, મેટલ ડિટેક્ટર, કૃત્રિમ બીજદાન, ક્રાયો સર્જરી પણ કરવામાં આવે છે તેમજ ભવિષ્યમાં એક્સ રે અને સોનોગ્રાફી મશીન પણ લાવાની પ્રક્રિયા થઈ રહી છે.