પોરબંદરઃ ગાંધિભૂમિનાં 4 મહિલા તબીબ સહિત 5 તબીબોની ટીમે અમદાવાદનાં પીંક ઝોનમાં 38 હજાર લોકોના આરોગ્યનો સર્વે કર્યો હતો.
પોરબંદરની 4 મહિલા તબીબો, 6 ફિમેલ હેલ્થ વર્કસ તથા એક પુરૂષ તબીબ મળી કુલ 11 કોરોના વોરિયર્સની જુદી-જુદી 4 ટીમે અમદાવાદના પીંક ઝોન અસારવા વિસ્તારમાં 18 દિવસમાં 38 હજાર જેટલા લોકોનું હેલ્થ ચેકઅપ કરીને ખુબ જ મહત્વની કામગીરી કરી છે. આ ચારેય ટીમમાં ફક્ત એક જ પુરૂષ તબીબ હતા, જ્યારે અન્ય 4 મહિલા તબીબો અને 6 ફિમેલ હેલ્થ વર્કર્સ કોરોના વોરિયર્સ બનીને લોકોનો આરોગ્ય સર્વે કર્યો હતો.
પોરબંદરની મહિલા તબીબ ટીમ દ્વારા અમદાવાદનાં પીંક ઝોનમાં આરોગ્ય સર્વે કર્યો પોતાની 4 વર્ષની દિકરીથી દુર રહીને અમદાવાદમાં કોરોનાના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે આરોગ્ય સર્વેમાં જોડાયેલા કુતિયાણાના RBSK લેડી ડોક્ટર ડિમ્પલ ભીમાણી કહે છે કે, પુત્રીથી અલગ રહેવુ મુશ્કેલ હતું પણ ડ્યૂટી ફર્સ્ટ હોય છે. સરહદ પર ફરજ બજાવતા સૈનિકો મહિનાઓ સુધી પોતાના પરિવારથી દૂર રહીને દેશની સેવા કરે છે, તેમ વિચારીને હું પણ સેવાના આ કાર્યમાં મારી ફરજ સમજીને જોડાઇ હતી. કોરોનાનુ સંક્રમણ ન થાય તે માટે સરકાર તબીબી ટીમને PPE કીટ આપે છે. આ કીટથી મને પુરતુ રક્ષણ મળ્યું હતું, આ ઉપરાંત સરકાર દ્વારા હોટલમાં રહેવાની તથા જમવા સહિત વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.પોરબંદરનાં મોઢવાડામાં ફિમેલ હેલ્થ વર્કસ તરીકે ફરજ બજાવતા ચૌહાણ નૈના બહેનનાં પતિનું 4 વર્ષ પહેલા અવસાન થયું હતું. અત્યારે પોતાના 8 વર્ષનાં પુત્ર સાથે રહેતા નૈના બહેન કહે છે કે, પુત્રને સાસુમાં પાસે રાખીને હું પણ કોરોના વોરિયર્સ બનીને અમદાવાદ ખાતે આરોગ્યની ટીમ સાથે પહોંચી હતી. શરૂઆતમા મને ડર જેવુ લાગતુ હતું. કેમકે સંતાનથી દૂર રહેવુ માં માટે આસાન નથી હોતુ, પણ સર્વે દરમિયાન મે જોયુ કે લોકો ખૂબ જ સારો સાથ સહકાર આપે છે, અને હું દેશ સેવાના મહત્વના કાર્યમા જોડાઇ છુ. અમારી ટીમ લોકોના સ્ક્રીનીંગ કરવાની સાથે સર્ગભા, બાળકો તથા વૃદ્ધોનું અલગ લીસ્ટ બનાવવુ, લોકોને આયુર્વેદિક અને હોમીયોપેથિક દવા વિતરણ કરવી સહિતની કામગીરી કર્યાનો મને ગૌરવ છે.ડો. હિતેશ જણાવ્યું કે, પોરબંદરનાં 5 RBSK તબીબો, 6 FHW સહિત અમારી 11ની ટીમ અમદાવાદનાં કલાપીનગર, ટાટાનગર, કેસવબાગ, કૈલાસનગર, આશાપુરા ચાલી, ખાડાવાલી, રામવાડી સહિતનાં વિસ્તારોમાં લોકોના આરોગ્ય સર્વે કરી શંકાસ્પદ લોકોનાં કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. 18 દિવસમાં 38 હજાર જેટલા લોકોના આરોગ્ય સર્વે કરીને ગાંધીભૂમિમાં પરત આવ્યા બાદ 5 દિવસ જિલ્લા ક્વોરેન્ટાઇન કરવાની સાથે અમારા તમામનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે નેગેટીવ આવતા તમામ તબીબી સ્ટાફ પોતાના ઘરે પરત ફર્યા હતા.આમ પોરબંદર જિલ્લાના 10 મહિલા તબીબી અને ફિમેલ હેલ્થ વર્કર્સની ટીમ સહિત 1 પુરુષ તબીબી મળી કુલ 11 તબીબી સ્ટાફની 4 ટીમોએ અમદાવાદમાં ઘરે ઘરે જઇને 38 હજાર જેટલા લોકોનો આરોગ્ય સર્વે કર્યો હતો.