ગુજરાત

gujarat

ETV Bharat / state

વાવાઝોડાના પગલે વહીવટીતંત્ર દ્વારા સ્થળાંતર બાબતે બેઠક યોજાઇ

પોરબંદર: હવામાન વિભાગની સુચના અનુસાર 'મહા' વાવાઝોડું દીવ તથા પોરબંદરની વચ્ચેના વિસ્તારોમાં આગામી સમયમાં આવે તેવી સંભાવનાઓ છે. ત્યારે પોરબંદર વહીવટીતંત્ર દ્વારા વાવાઝોડા સમયે કોઇ જાનહાની ન થાય તે અંગેની તકેદારી રાખી નગરપાલિકાના સભાખંડમાં સ્થળાંતર બાબતે એક બેઠક યોજાઇ હતી.

By

Published : Nov 6, 2019, 2:46 AM IST

etv bharat

'મહા' વાવાઝોડાના પગલે વહીવટીતંત્ર દ્વારા આગમચેતી માટે નગરપાલિકા દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર તથા પ્રાંત અધિકારી ઉપસ્થિત રહી કર્મચારીઓની તથા અધિકારીઓને સૂચના આપી હતી અને લોકોના સ્થળાંતર બાબતે જાણકારી આપી હતી. આ ઉપરાંત દરિયાકાંઠા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપી હતી. આ ઉપરાંત અલગ-અલગ 16થી પણ વધુ વિસ્તારોમાં સરકારી શાળાઓ તથા જ્ઞાતિની વાડીમાં આશ્રય સ્થળ નક્કી કરાયા હતા અને વિપત્તિ સમયે તાત્કાલિક ડિઝાસ્ટર મેનેજમેન્ટને સંપર્ક કરવા પણ જણાવ્યું હતું.

પોરબંદર સીટીમાં 26 જેટલા NDRFના જવાનોની ટીમ પણ આવી ચૂકી હતી. 'મહા' પોરબંદર વિસ્તારમાં 5 નવેમ્બરથી 8 નવેમ્બર સુધી આવવાની સંભાવના છે. જેના પગલે નગરપાલિકા દ્વારા આગમચેતી માટે પોરબંદરના શહેરીજનોને પીવાના પાણીનો પૂરતો જથ્થો સપ્લાય કરવાનું આયોજન કરેલ છે.

વાવાઝોડાના પગલે વહીવટીતંત્ર દ્વારા સ્થળાંતર બાબતે બેઠક યોજાઇ

જેથી 2-3 દિવસ સુધી પાણીનો જથ્થો ચાલે તેટલો એકત્ર કરી રાખવો તેમજ સૂકો ખોરાક લઇ શકાય તેવી વ્યવસ્થા કરી રાખવા તથા વાવાઝોડા અન્વયે ચેતવણી સાંભળવા માટે રેડિયો તથા તેમની બેટરી વ્યવસ્થા રાખવી આ ઉપરાંત બાળકો માટે દૂધ પાવડર અને ખોરાકની વ્યવસ્થા કરી રાખવી.

તેમજ ભયજનક મકાન હોય તો તે તાત્કાલિક ખાલી કરી સલામત સ્થળે ખસી જવા તેમજ ઇમરજન્સી લાઇટ તેમજ મીણબત્તીની જરૂરી વ્યવસ્થા ઘરમાં રાખવા આ ઉપરાંત મોબાઈલની બેટરી તથા પાવર બેંક ચાર્જ રાખવા અને બિનજરૂરી ઉપયોગ ન કરવા તથા ભારે વરસાદના સમયે બહાર નીકળવું નહીં તેમજ નદીકિનારે કે દરિયા કિનારે ન જવાની સૂચના આપી હતી.

ABOUT THE AUTHOR

...view details