- હાથી સિમેન્ટ ફેક્ટરીમાં સર્જાઈ મોટી દુર્ઘટના
- ચીમની તૂટતાં 15 જેટલા મજૂરો દટાયા
- 7 થી વધુ મજૂરોના મોતની આશંકા વચ્ચે 3ના મોત
પોરબંદર : રાણાવાવમાં આવેલી અભિનેત્રી જુહી ચાવલાના પતિ જય મહેતાની માલિકીની (સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ હેઠળ ચાલતી )હાથી સિમેન્ટ ફેક્ટરીમાં આજે ગુરૂવારે બપોરના સમયે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ફેકટરીમાં સટ ડાઉન સમયે ચીમની તૂટી પડતા 10 થી 15 જેટલા મજૂરો દટાયા હોવાની શંકા સેવાઈ રહી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે 7 જેટલા લોકોના મોત થયાની વિગતો મળી રહી છે, આ આંકડો વધી શકે તેમ છે. જોકે કંપની કે અધિકારીઓ દ્વારા સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જોકે, મોડીરાત્રે કાટમાળમાંથી એક મજૂરને રેસ્ક્યૂ કરીને સારવાર માટે રાણાવાવ હોસ્પિટલમાં ખસેડાયો હોવાનું જાણવા મળ્યું છે.આ વચ્ચે મળતી માહીતી મુજબ 4 મજૂરોના મોત થયા છે તો 2નો જીવ બચાવામાં આવ્યો છે.
પોરબંદરની હાથી સિમેન્ટ ફેક્ટરીમાં ચીમની પડતા મોટી દુર્ઘટના સર્જાઈ ધડાકા ભેર ચીમની પડતા મજૂરો દંટાયા
પોરબંદરના રાણાવાવ આદિત્યાણા વચ્ચે આવેલી હાથી સિમેન્ટ ફેક્ટરીમાં ગુરૂવારે બપોરે ત્રણ કલાકે 45 ફૂટ ઉંચી ચીમની પાસે માંચડા પર મજૂરો રીપેરીંગ કામ કરતા હતા, તે સમયે એકાએક માંચડો તૂટતાં મજૂરો ચીમની સાથે પડ્યા હતા અને મોટા ધડાકાનો અવાજ આવ્યો હતો, આથી લોકો દોડી ગયા હતા અને માંચડાને ઉપાડવા માટે ફેક્ટરીમાં કોઈ મોટી ક્રેન ન હોવાથી અંતે તંત્રનો સહારો લેવો પડ્યો હતો.
પોરબંદરની હાથી સિમેન્ટ ફેક્ટરીમાં ચીમની પડતા મોટી દુર્ઘટના સર્જાઈ ફાયર બ્રિગેડ,પોલીસ તંત્ર ઘટના સ્થળે
આ દુર્ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ ફાયર બ્રિગેડ અને મોડી સાંજે કલેક્ટર સહિતના અધિકારીઓ દોડી ગયા હતા અને તાત્કાલિક આ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે મોટી દુર્ઘટના બની છતાં હજુ સુધી મૃતક મજૂરો અને ઇજાગ્રસ્ત મજૂરોનો આંકડો હજુ સુધી મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યો નથી. સેફટીના અભાવે 7થી વધુ મજૂરોના મોત નિપજ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ આંકડો વધી શકે તેમ છે, હજુ કાટમાળ હટાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, મૃતકોના પોસ્ટમોર્ટમ જામનગર હોસ્પિટલમાં લઈ જવામાં આવે તેવી પણ વિગતો પ્રાપ્ત થઈ છે. ફેક્ટરી સંચાલકોની ઘોર બેદરકારીના લીધે સામાન્ય મજૂરોએ જીવ ગુમાવ્યાનો વારો આવ્યો છે. મુખ્યપ્રધાન રૂપાણીએ કલેક્ટર સાથે વાત કરી ઘટનાની જાણકારી મેળવી હતી. આ બાદ રેસ્ક્યુ માટે NDRFની 2 ટિમ મોકલવાની સૂચના પણ કરી હોવાનું જણાયું છે.