પોરબંદર: લોકોને ભારતમાં શ્રેષ્ઠ દરિયા કિનારામાં ગોવા, દિવ અથવા કેરળના દરિયા કિનારા જેવી ફિલીંગ હવે ગુજરાતમાં આવી રહી છે. મુંબઇ, ગોવા અને કેરળ જેવા રાજ્યોના દરિયા કિનારાઓનો પ્રવાસ ખેડવામાં પણ ગુજરાતીઓ જ સૌથી ટોચના ક્રમે આવે છે. ગુજરાત પાસે પણ અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌથી મોટા અને સુંદર દરિયા કિનારા છે, જે અન્ય રાજ્યોના દરિયા કિનારાઓને ટક્કર આપે તેવા છે, જેમાં પોરબંદરના માધવપુરનો દરિયા કિનારે લાખો લોકોને આકર્ષે તેવો સુંદર અને નયનરમ્ય છે. વારે-તહેવારે અહીં હજારોની સંખ્યામાં સહેલાણીઓ આવે છે. ત્યારે ભાઈબીજના પવિત્ર તહેવારે અહીં માધવપુરના દરિયા કિનારે હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યાં હતાં. માઘવપુરની ચોપાટી લોકોને આકર્ષી રહી છે, અને દીન-પ્રતિદિન અહીં સહેલાણીઓની સંખ્યા વધી રહી છે.
માધવપુરનો બીચ: સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં માધવપુરનો બીચ સૌથી સારામાં સારો બીચ ગણવામાં આવે છે, અહીં અનેક ફિલ્મોના શૂટિંગ પણ થયા છે, અને કેટલીક જાહેરાતોના શૂટિંગ પણ કરવામાં આવ્યા છે, ત્યારે આ બીચ પર ભાઈબીજના પર્વે ઉમટેલા પ્રવાસીઓના અહીંના નાનાથી લઈને મોટા વેપારીઓના ધંધા-રોજગારને પણ વેગ મળે છે, અહીં ઘોડા, ઉંટ અને ખાણીપીણીના વ્યવસાય ધરાવતા અનેક વેપારીઓ અને હોટલ માલિકોને પણ સારો એવો વેપાર થયો હતો.