- પોરબંદરના 36, રાણાવાવના 23 અને કુતિયાણા તાલુકાના 3 ગામના કિસાનોને દિવસે પણ વીજળી મળશે
- ધરતીપુત્રોને પીયત માટેના ‘‘ફરજિયાત જાગરણ’’ માંથી મળશે મુક્તિ !
- રાજ્યના ઊર્જાપ્રધાને ધારાસભ્યની રજૂઆતને મંજુરીની મહોર મારી
પોરબંદરઃ કિસાન સૂર્યોદય યોજનાનો લાભ રૂ. 3500 કરોડના ખર્ચે રાજ્યના તમામ 18,000 હજાર ગામોના ખેડૂતોને અઢી વર્ષ જેટલા ટુંકા ગાળામાં આપવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ધાર કરવામાં આવેલ છે. કિસાન સૂર્યોદય યોજના અન્વયે રાજ્યના મુખ્યપ્રધાનના વરદ હસ્તે ઝોનવાઈઝ લોકાર્પણ કાર્યક્રમો કરવામાં આવનાર છે. જે પૈકી સૌરાષ્ટ્ર ઝોનમાં તા. 3 જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ ઉના (ગીર સોમનાથ) ખાતેથી મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવનાર છે.
પોરબંદર જિલ્લાના ખેડૂતોને મળશે લાભ
આ યોજનાનો લાભ પોરબંદર જિલ્લાના ખેડૂતોને પણ મળી રહે તે માટે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા તથા જિલ્લા ભાજપના હોદ્દેદારો દ્વારા રાજ્યના ઊર્જાપ્રધાન સૌરભભાઈ પટેલને રજૂઆત કરવામાં આવતા મંજૂરીની મહોર મારી પ્રથમ તબક્કામાં જિલ્લાના 62 ગામોનો આ યોજનામાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. જિલ્લામાં બાકી રહેતા ગામોનો પણ આગામી ટૂંક સમયમાં જ આ યોજના હેઠળ સમાવેશ કરી લેવામાં આવશે.
ત્રણેય તાલુકામાં પ્રધાન, સાંસદના હસ્તે યોજનાનું થશે લોકાર્પણ
7 જાન્યુઆરીએ પોરબંદર તાલુકાના 36 ગામોમાં રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠાપ્રધાન જયેશભાઈ રાદડીયાના હસ્તે, 9 જાન્યુઆરીના રોજ રાણાવાવ તાલુકાના 23 ગામોમાં રાજ્યના પ્રવાસનપ્રધાન જવાહરભાઈ ચાવડાના હસ્તે તેમજ 10 જાન્યુઆરીના રોજ કુતિયાણા તાલુકાના 5 ગામોમાં પોરબંદરના સંસદસભ્ય રમેશભાઈ ધડુકના હસ્તે આ યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે.