ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં ‘ગુંજ’ યુથ મહોત્સવ યોજાયો - હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી

પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે 31મો આંતર કોલેજ યુવા મહોત્સવ-2019 ‘ગુંજ’ નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જિલ્લા કલેક્ટર આનંદ પટેલ તથા યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ.અનિલ નાયકની ઉપસ્થિતીમાં યુનિવર્સિટીના કન્વેન્શન હૉલ ખાતે દિપ પ્રાગટ્ય કરી યુવા મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં યુથ મહોત્સવ ‘ગુંજ’નું આયોજન

By

Published : Sep 27, 2019, 10:44 AM IST

યુવામહોત્સવના પ્રારંભે યુનિવર્સિટીના વિવિધ વિભાગો અને કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા કેમ્પસથી પાટણ શહેરમાં રેલી યોજવામાં આવી હતી. ઉંટ લારી તથા ટ્રેક્ટરની ટ્રોલી પર સ્ટોલ અને ટૅબ્લો દ્વારા 13 જેટલા વિવિધ વિષયો પર સંદેશો આપવા તથા જાગૃતિ ફેલાવવા યુનિવર્સિટી કેમ્પસથી પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં રેલી યોજવામાં આવી હતી.

ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં યુથ મહોત્સવ ‘ગુંજ’નું આયોજન

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પાટણ શહેરને સ્વચ્છ બનાવવા, પ્લાસ્ટીક મુક્ત ભારત, યુવા શક્તિ, અવકાશ વિજ્ઞાનમાં દેશે મેળવેલી સિદ્ધિ, ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ ફેલાવવાના વિવિધ ઉદ્દેશ સાથે રેલી યોજવામાં આવેલી રેલીમાં યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાં આવતા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા તથા પાટણ જિલ્લાની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ તથા યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

યુવા મહોત્સવના શુભારંભ પ્રસંગે પ્રેરક ઉદ્બોધન કરતાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીએ માત્ર શિક્ષણનું ધામ જ નહીં પણ વૈચારીક ક્રાંતિનું ઉદ્ભવસ્થાન પણ છે. યુવાનોમાં રહેલા શિક્ષણ અને કૌશલ્યને વૈચારીક ક્રાંતિમાં બદલવાનું કામ યુનિવર્સિટીનું છે. યુવા મહોત્સવએ જીવંતતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે. યુવા મહોત્સવના આયોજન દ્વારા નવા વિચારો અને નવા સંશોધનો થકી વિદ્યાર્થીઓએ વિશ્વકક્ષાએ પોતાના દેશનું નામ રૉશન કરવાનું છે.યુનિવર્સિટીના સંકુલમાં પ્રવેશતાંની સાથે જ શક્તિના સંચારની અનુભુતિ થાય છે. યુવાશક્તિને કોઈ રોકી શકતું નથી અને તે રોકવી ઉચીત પણ નથી. યુવાશક્તિએ પુસ્તકોના જ્ઞાન સાથે નવા વિચારો અને સંશોધનોના આદાન-પ્રદાન દ્વારા દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવાનું છે.

ડૉ. અનિલ નાયકે પ્રાસંગીક ઉદ્બોધન કરતાં જણાવ્યું કે, યુવા મહોત્સવના આયોજન દ્વારા વિદ્યાર્થીઓમાં પડેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનું છે. વિદ્યાર્થીઓમાં રહેલી આવડત અને કૌશલ્યના વિકાસ દ્વારા દેશને વિશ્વકક્ષાએ રીપ્રેઝન્ટ કરવાનો છે.પ્લાસ્ટીક મુક્ત ભારત, સ્વચ્છતા, ફિટ ઈન્ડિયા જેવા અભિયાનો અને પાણીના કાર્યક્ષમ ઉપયોગ-બચાવ તથા ટ્રાફિકના નિયમોના પાલન દ્વારા યુવાનોએ જવાબદાર નાગરીક તરીકે ફરજ અદા કરવાની છે.

યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ. અનિલ નાયકે તેમની લાક્ષણીક હળવી શૈલીમાં વિદ્યાર્થીઓને મીઠી ટકોર કરતાં જણાવ્યું હતું કે,અભ્યાસની સાથે ઉત્સવોની ઉજવણી પણ મહત્વની છે. તે સ્ટ્રેસ દૂર કરવામાં મદદ કરે છે, પણ તેનાથી વિદ્યાર્થીઓએ પોતાના લક્ષ્યથી વિચલીત ન થઈ પોતાની શક્તિઓના સદ્ઉપયોગ દ્વારા ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details