સિદ્ધિ સરોવરમાં યુવકની આત્મહત્યા પાટણ: પાટણ શહેરમાં સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત બની અનેકના જીવ લેનાર તેમજ સમગ્ર શહેરને પીવાનું પાણી પુરુ પાડતા સિધ્ધિ સરોવરમાં વધુ એક યુવાનના આત્મહત્યાની ઘટના સામે આવી છે. શ્રીનાથજી ડુપ્લેક્ષમાં રહેતા લવ રાકેશભાઈ દરજી નામના યુવાને ગત રોજ સાંજના સમયે સિધ્ધી સરોવરમાં કૂદકો માર્યો હતો.
યુવાનને બચાવવાનો નિષ્ફળ પ્રયાસ: યુવાને કુદકો માર્યો તે સમયે સરોવરના અન્ય કિનારે ઉભેલા કોર્પોરેટર અને કેટલાક સ્થાનિકોએ આ દૃશ્ય જોતા તેઓ અવાચક બની ગયા હતા. જેમાંથી એક યુવાન તરવૈયો હોઇ તેણે ડુબતા યુવાનને બચાવવા પાણી ભરેલા સરોવરમાં ઝંપલાવ્યુ હતું. પરંતુ તે નજીક પહોંચે તે પહેલા જ યુવાન પાણીમાં ગરક થતા બચાવવાના પ્રયત્નો નિરર્થક સાબિત થયા હતા. બનાવ અંગે પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા બોટ સાથે ટીમ દોડી આવી હતી અને યુવાનની શોધખોળ હાથ ધરી હતી. યુવાનની ઓળખ થતાં તેના પરીવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
પરિવારજનોમાં માતમ: સાંજ સુધી સરોવરના પાણીમાં યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી પણ તેના કોઇ સગડ મળ્યા ન હતા. સિદ્ધિ સરોવરમાં કૂદકો મારનાર યુવકની નગરપાલિકાના તરવૈયાઓ દ્વારા બીજા દિવસે પણ શોધખોળ હાથ ધરતા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. યુવકના મોતથી પરિવારજનોમાં માતમ છવાયો હતો. યુવાને સિધ્ધી સરોવરમાં ઝંપલાવતા પહેલા મોબાઇલ ફોન લાઇવ કરી પરીવારના સભ્યને માતા - પિતાને સાચવવાની વાત કરી હતી.
આત્મહત્યાને લઈને અનેક સવાલો: આ અંગેની જાણ થતા પાટણ એ ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં તેનું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. યુવાને કયા કારણોસર સિદ્ધિ સરોવરમાં મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું તેને લઈને અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે. જોકે સાચી હકીકત તો પોલીસ તપાસ દરમિયાન જ બહાર આવશે.
- Brijesh Labadia Suicide Case : પોલીસ કર્મચારીની આત્મહત્યા કેસમાં કોર્ટ દ્વારા નવા આદેશ, તપાસ અધિકારી બદલાયા
- Surat Moradia Suicide Case: સરથાણાના મોરડીયા પરિવારના અંતિમ બે સભ્યોએ આપઘાત કરી લેતા સમગ્ર પરિવારનો અંત