- સરદાર પટેલની આજે 145મી જન્મજયંતી
- પાટણમાં સરદાર પટેલની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરાયું
- રાજકીય પક્ષો અને સંસ્થાઓ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરાયું
પાટણઃ સમગ્ર દેશમાં અલગ અલગ કાર્યક્રમો દ્વારા સરદાર પટેલની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે શહેરના બગવાડા દરવાજા નજીક સ્થાપિત કરાયેલી સરદાર પટેલની પ્રતિમા પર નગરપાલિકા તંત્ર દ્વારા સરદાર પટેલને સુતરની આંટી પહેરાવી તેમના ચરણ કમળમાં વંદન કર્યું હતું. ત્યારબાદ શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરોએ સરદાર પટેલને માલ્યાર્પણ કર્યું હતું. શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરીએ જિલ્લાવાસીઓને સરદાર પટેલના વિચારોને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો.
પાટણમાં રાજકીય પક્ષો અને સંસ્થાઓ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરાયું સરદાર પટેલ અમર રહોના નારા લગાવી શ્રદ્ધાસુમન અર્પણ કરાયું
પાટીદાર યુવાનો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને પાણીથી સ્વચ્છ કરવામાં આવી હતી. પાટણ કોંગ્રેસના ધારાસભ્ય સહિત આગેવાનો કાર્યકરોએ સરદારની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી સરદાર પટેલ અમર રહોના નારા લગાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડૉ. કીરીટ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે સરદારના નામે રાજકારણ થઈ રહ્યું છે તે યોગ્ય નથી. સરદારના નામે રાજકારણ કરવાને બદલે તેમની વિચારસરણી સાથે અનુરૂપ બની ખેડૂતોને સમૃદ્ધ બનાવવાના સરદાર પટેલના સ્વપ્નને સરકાર સાકાર કરે તેવો અનુરોધ કર્યો હતો. પાટણમાં ભારત વિકાસ પરિષદ, સિદ્ધહેમ શાખા, લાયન્સ ક્લબ સહિતની સંસ્થાઓના આગેવાનોએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી.